Biparjoy Cyclone: બિપરજોય વાવાઝોડાની અસર સૌરાષ્ટ્ર,કચ્છ અને દીવમાં જોવા મળી રહી છે. આ દરમિયાન પ્રવાસન સ્થળ દીવમાં આજ બપોરે 1 કલાકથી બાર અને રેસ્ટોરન્ટ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રશાસન દ્વારા બિપોરજોય સાયક્લોનને ધ્યાને રાખી સલામતીના ભાગે બાર અને રેસ્ટોરન્ટ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. નોંધનિય છે કે, દીવના દરિયાકાંઠે મોટી સંખ્યામાં પ્રવાસીઓ જતા હોય છે. તેથી કોઈ જાનહાની ન થાય તે માટે તંત્રએ આ નિર્ણય લીધો છે.


 



દીવના આઈએનએસ ખુકરી મેમોરિયલ નજીક દરિયાનું રોદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. હાલમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. જ્યાં બેસીને પ્રવાસીઓ દરિયાની સુંદરતા નિહાળતા હતા તે બેઠક ક્ષતિ ગ્રસ્ત થઇ છે. તો બીજી તરફ દીવ કલેકટર ફરમન બ્રહ્માએ પ્રેસ કોંન્ફરન્સ કરી હતી અને લોકોને ઘરની બહાર ન નીકળવા સૂચન કર્યું હતું. દીવના દરિયા કિનારે તેજ પવન ફૂંકાવાને કારણે ઉંચા મોજા ઉછળી રહ્યા છે. જેથી કોઈ જાનહાની ન થાય તે માટે તંત્રએ અપીલ કરી છે.


ગંગેશ્વર મહાદેવ મંદિર નજીક રોડ પર સમુદ્રનું પાણી ફરી વળ્યું છે.  રોડ પર પાણી ફરી વળતા પોલીસ તૈનાત કરવામાં આવી છે. ગંગેશ્વર મહાદેવ મંદિર રસ્તો બંધ કરાયો છે.  દીવના નાગવા ગામ નજીકના દરિયામાં શક્તિશાળી મોજા ઉછળી રહ્યા છે.


જખૌ બંદરે આટલા કિમીની ઝડપે ટકરાશે વાવાઝોડું


બિપરજોય વાવાઝોડાને લઈને હવામાન વિભાગે નિવેદન બહાર પાડ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે વાવાઝોડું 6 km પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. વાવાઝોડું હાલ જખૌથી 110 km દૂર છે. જખૌથી પશ્ચિમ દક્ષિણ પશ્ચિમ તરફ દૂર છે. હાલ 122 - 130 km પવનની ઝડપ છે. જખૌ પોર્ટ તરફ 115 થી 125 kmની ઝડપે પવન સાથે સાંજે વાવાઝોડું ટકરાશે. 


ક્યાથી કેટલું દૂર છે વાવાઝોડું


જખૌથી 110 km દૂર
દ્વારકાથી 160 km દુર
નલિયાથી 140 km દુર
કરાચીથી 240 km દુર


ક્યાં કેટલો વરસાદ પડ્યો


પોરબંદર 17 mm વરસાદ
નલિયા 17 mm વરસાદ
ભુજ 12 mm વરસાદ
કંડલા 12 mm વરસાદ


પવનની ક્યાં કેટલી ગતિ


દ્વારકા 48 km
ઓખા 32 km
દિવ 56 km
નલિયા 34 km
વેરાવળ 39 km
ભુજ 24 km
કંડલા 33 km
પોરબંદર 37 km
અમદાવાદમાં 38 km


હવામાન વિભાગે વરસાદને લઈને પણ આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી 1 કલાકની લઈને આગાહી કરતું નાઉ કાસ્ટ જાહેર કર્યું છે. દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ પવનની ગતિ 70 થી 90 કિલોમીટર રહેશે. આગામી એક કલાકમાં જુનાગઢ, રાજકોટ અને  જામનગરમાં છૂટો છવાયો વરસાદ પડશે. પવનની ગતિ 50 થી 70 કિલોમીટર પ્રતિ કલાક રહેશે.