ભરુચ: ભરૂચ નગરપાલિકાએ લાઈટ બિલની ચૂકવણી ન કરતા વીજ કનેક્શન કાપવામાં આવ્યું છે. ભરૂચ શહેરમાં અંધારપટ છવાતા વેપારીઓની ચિંતા વધી છે. લાખો કરોડો રૂપિયાનું લાઈટ બિલ બાકી પડતા વર્ષમાં ત્રીજી વખત ભરૂચ નગરપાલિકાના વીજ કનેક્શનનો કપાયા છે.
શહેર અંધાર પટમાં છવાઈ જતા સત્તા પક્ષના પદાધિકારીઓએ મોબાઈલ સ્વીચ ઓફ કર્યા છે. સમગ્ર ભરૂચ શહેરમાં સ્ટ્રીટ લાઈટો બંધ થઈ જતા સમગ્ર ભરૂચ અંધારપટમાં છે. નગરપાલિકાને તાળાબંધી કરી દેવી જોઈએ તેવા આક્ષેપ સાથે વિપક્ષોએ આક્રોશ ઠાલવ્યો હતો.
શહેરમાં પાંચબત્તી નગરપાલિકા રોડ સ્ટેશન રોડ સોનેરી મહેલ રોડ મહંમદપુરા શ્રવણ ચોકડી શક્તિનાથ સહિત તમામ વિસ્તારોમાં અંધારપટ જોવા મળ્યો હતો. ભરૂચમાં 35 મીટરોના કનેક્શન કાપતા 2000થી વધુ સ્ટ્રીટ લાઈટો બંધ રહેતા વેપારીઓને ચોરીઓ થવાનો ભય છે. આખા ભરૂચ શહેરમાં અંધારપટ છવાતા નગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ સામે રોષ જોવા મળી રહ્યો છે.
ગોધરા નગર પાલિકાના માથે નાણાકીય સંકટ
ગોધરા નગર પાલિકાના માથે નાણાકીય સંકટ ઘેરાયું છે. તેવામાં નર્મદા વિભાગ દ્વારા બાકી પાણી બિલના 47 કરોડોની વસુલાત માટેની ઉઘરાણી શરૂ કરવામાં આવી છે. આ તરફ MGVCLનાં વોટર વર્કસ સહિત 11 કરોડ વિજ બિલ બાકી હોવાનુ સામે આવ્યું છે. વર્ષ 2009થી ગોધરા શહેરને નર્મદા વિભાગ દ્વારા પાણી પુરૂ પાડવામાં આવે છે. ત્યારથી આજ દીન સુધી પાલિકાએ નર્મદા વિભાગને એક પણ રુપિયો ચૂકવવામાં આવ્યો નથી. આ તરફ MGVCl ને પણ વોટર વર્કસ સહિત રુપિયા 11 કરોડ ઉપરાંત વિજ બિલની રકમ ચુકવવામા આવી નથી. બાકી લેણાની રકમ માટે નર્મદા વિભાગ અને MGVCl દ્વારા પાલિકાને અનેકવાર નોટિસ પાઠવવામાં આવી હોવા છતાં બાકી રકમ ભરવામાં આવી નથી. બાકી રકમને લઈ MGVCl અને નર્મદા વિભાગ દ્વારા સપ્લાય બંધ કરવા સુધીની કાર્યવાહિ કરવામાં આવે તો નવાઈ નહીં.
ગોધરા નગર પાલિકાના માથે દિવસેને દિવસે દેવાનું ભારણ વધી રહ્યું છે. બીજી તરફ પાલિકાના વહીવટદાર નગરજનો પાસેથી બાકી વેરાની રકમ 19 કરોડ વસુલવામા ઉદાસીનતા દાખવી રહ્યા છે. ગોધરા નગરપાલિકા કર્મચારીઓનાં પગાર, પેન્શન સહિત આર્થિક વહીવટી કામગીરી વેરા આવકની રકમમાંથી થતી હોય છે પરંતુ છેલ્લા ઘણા સમયથી રૂ 19 કરોડ વેરા વસુલાત કરવાનો બાકી હોય પાલિકા આર્થિક સંકટ વધુ ઘેરાયું છે.