Latest Bharuch News: તાજેતરમાં ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભરૂચમાં વરસાદ વચ્ચે પણ પોલીસે કામગીરી કરી હતી. આ દરમિયાન ભરૂચમાં વરસાદી પાણી વચ્ચે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર પોલીસકર્મીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.  જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના હસ્તે પોલીસકર્મીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. ઝઘડિયામાં પુરના પાણીમાં ફસાયેલ યુવાનને રેસ્ક્યુ કરી જીવ બચાવનાર પોલીસકર્મી જયેશ પ્રજાપતિ, વરસતા વરસાદમાં ટ્રાફિકનું સંચાલન કરનાર મહિલા પોલીસ ઇન્સ્પેકટર બી.એલ.મહેરિયાનું પણ સન્માન કરાયું હતું.


ભરૂચના ઝઘડિયા પંથકમાં ખૂબ ભારે વરસાદ ખાબકયો હતો, ગણતરીના કલાકોમાં જ પાંચ ઇંચ જેટલો વરસાદ ઝઘડિયા પંથકમાં નોંધાઈ ચૂક્યો હતો, રસ્તાઓ બંધ થઈ ગયા હતા, જેમાં ઝઘડિયા જીઆઇડીસીની ડીસીએમ શ્રીરામ લિમિટેડ કંપનીમાં ફરજ બજાવતા તુષાર પટેલ રહે. જુના કાસીયા તા. અંકલેશ્વર નાઈટ શિફ્ટ કરી ખરચીથી માંડવાવાળા રોડ પર વિકાસ હોટલની પાછળથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તે તેની બાઈક સાથે વરસાદી પાણીના ભારે પ્રવાહમાં ખેંચાયો હતો.


આ બાબતની જાણ મુલદ પોલીસ ચોકી પર ફરજ બજાવતા જયેશ મણીલાલ પ્રજાપતિને થતા તેઓ તાત્કાલિક તેમની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને લગભગ બે કલાકની ભારે જહેમત બાદ તુષાર પટેલને હેમખેમ રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. જયેશ પ્રજાપતિની આ સરાહનીય કામગીરીને ધ્યાનમાં રાખી ઝઘડિયા જીઆઇડીસીની ડીસીએમ શ્રીરામ લિમિટેડ દ્વારા જયેશ મણિલાલ પ્રજાપતિ તથા અન્ય એક સહાયક પોલીસ કર્મીને સરાહાનીય કામગીરીને બિરદાવી પ્રોત્સાહન રૂપે જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાના હસ્તે સન્માન પત્રક અર્પણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જિલ્લા ટ્રાફિક વિભાગના પોલીસ ઇન્સ્પેક્ટર બી.એલ.મહેરીયાનું પણ પ્રશંશનીય કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું હતું.


હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ માટે સમગ્ર ગુજરાત રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે એટલે કે આગામી સાત દિવસ સમગ્ર ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ રહેશે. આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે. કારણ કે, દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી બે દિવસ દરમિયાન 35થી 45 કિ.મી જ્યારે ત્રીજા દિવસથી 45થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ છે.


આ પણ વાંચોઃ


દવા વગર જ બ્લડ પ્રેશર થશે કંટ્રોલ, બસ કરવું પડશે આ કામ