સાબરકાંઠા: સાબરકાંઠા લોકસભા બેઠક જ્યાંથી ભાજપે ભીખાજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા હતા.  ભીખાજી ઠાકોરને ટિકિટ મળતાં જ સમર્થકો પણ ખુશખુશાલ હતા.પરંતુ અચાનક ભીખાજી ઠાકોરને ચૂંટણી ન લડવાનું પક્ષ તરફથી કહેવાતા સમર્થકોમાં ભારે રોષ ફેલાયો છે.  આજે મેઘરજ માર્કેટ યાર્ડમાં મોટી સંખ્યામાં ભીખાજી ઠાકોરના સમર્થકો બેનર સાથે પહોંચ્યા અને ભાજપ સામે રોષ વ્યક્ત કર્યો. સાબરકાંઠા બેઠક પર ભીખાજી ઠાકોરના સમર્થકો જોરદાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.           


ભીખાજી ઠાકોરના સમર્થકોએ રેલી પણ કાઢી હતી.  ભીખાજીને ટિકિટ નહીં તો ભાજપને વોટ નહીં.  ભાજપ તારા વળતા પાણી જેવા સૂત્રો પોકારી ભીખાજીના સમર્થકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો.  એટલું જ નહીં ભીખાજીના સમર્થનમાં ભાજપમાંથી ધડાધડ રાજીનામા પડ્યા હતા. અરવલ્લી જિલ્લા પંચાયતના સભ્ય અને પૂર્વ ઉપપ્રમુખ કનુભાઈ મનાતે રાજીનામું ધરી દીધું છે. બૂથ પ્રમુખથી લઈ જિલ્લા સભ્યના પણ રાજીનામા પડ્યા છે.  


ગુજરાતમાં ચૂંટણી જંગ જામ્યો છે, ભાજપ અને કોંગ્રેસ પોત પોતાની બેઠકો પર જબરદસ્ત પ્રચારમાં લાગ્યા છે. ગઇકાલે ભાજપમાં એક પછી એક એમ બે ટ્વીસ્ટે નવી રાજનીતિ ચર્ચાઓ શરૂ કરી દીધી હતી. ગઇકાલે સાબરકાંઠા અને વડોદરા બેઠક પર ભાજપના ઉમેદવારોએ અચાનક ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી. આ પછી નવી ચર્ચાઓ શરૂ થઇ હતી કે આ બન્ને બેઠકો પર બીજા કોણ કોણ દાવેદારો છે અને કોણે મળી શકે છે ટિકીટ. ગુજરાત ભાજપની ચાર બેઠકો સાથે વડોદરા અને સાબરકાંઠા બેઠક પર પણ આજે ઉમેદવારો જાહેર થઇ શકે છે. સુત્રો તરફથી માહિતી મળી છે કે ભાજપના નવા ઉમેદવારોની આજે યાદી જાહેર થઈ શકે છે.


• ક્યાં તબક્કામાં કેટલી બેઠકો પર થશે મતદાન


- પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે 21 રાજ્યોની 102 બેઠકો પર મતદાન થશે.


- બીજા તબક્કામાં 26મી એપ્રિલે 13 રાજ્યોની 89 બેઠકો પર મતદાન થશે.


- ત્રીજા તબક્કામાં 7મી મેએ 12 રાજ્યોની 94 બેઠકો પર મતદાન થશે.


- ચોથા તબક્કામાં 13 મેએ 10 રાજ્યોની 96 બેઠકો પર મતદાન થશે.


- પાંચમા તબક્કામાં 20 મેએ 8 રાજ્યોની 49 બેઠકો પર મતદાન થશે.


- છઠ્ઠા તબક્કામાં 25મી મેએ 7 રાજ્યોની 57 બેઠકો પર મતદાન થશે.


- સાતમા તબક્કામાં 1 જૂને 8 રાજ્યોની 57 સીટો પર મતદાન થશે.


- પરિણામ ચોથી જૂને જાહેર કરવામાં આવશે.