ગાંધીનગર:  ગુજરાતને નવા મુખ્યપ્રધાન મળી ચૂક્યા છે. ઘાટલોડિયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલને રાજ્યની કમાન સોંપવામાં આવી છે. આ સાથે જ ગુજરાતને 2022 વિધાનસભા ચૂંટણી પહેલા 22મા મુખ્યપ્રધાન પણ મળી ચૂક્યા છે. ભારે ચર્ચા વિચારણા અને ધારાસભ્ય દળની બેઠકમાં સર્વાનુમતે ભુપેન્દ્ર પટેલના નામ પર આખરી મહોર લાગી અને નવા મુખ્યપ્રધાન પદે ભુપેન્દ્ર પટેલના નામની જાહેરાત કરવામાં આવી.  આવતીકાલે ભૂપેંદ્ર પટેલની શપથવીધી યોજાશે. 


ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે પત્રકાર પરિષદ દરમિયાન કહ્યું હતું કે આવતીકાલે મુખ્યમંત્રીની શપથવિધિ યોજાશે. આવનારા બે દિવસમાં ચર્ચા કરીને મંત્રીઓની શપથવિધિ યોજાશે. 


ગુજરાતમાં ભાજપે  દિગ્ગજ પાટીદાર નેતા અને ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલને નવા મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય લીધો છે. શનિવારે મુખ્યમંત્રીપદેથી વિજય રૂપાણીના રાજીનામા પછી ભાજપ કોને મુખ્યમંત્રી બનાવશે તેની અટકળો ચાલતી હતી. લગભગ 24 કલાકના સસ્પેન્સ પછી ભાજપે અંતે રૂપાણીના અનુગામી તરીકે ભૂપેન્દ્ર પટેલની પસંદગી કરી છે.









 


 


ભાજપ હાઈકમાન્ડ દ્વારા મોકલવામાં આવેલા નીરિક્ષકો નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશીની હાજરીમાં ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાતમાં સવા વરસ પછી એટલે કે 2022ના નવેમ્બર-ડીસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. તેના કારણે ભાજપે પાટીદારને મુખ્યમંત્રી બનાવ્યા હોવાની છાપ પડી છે.


 


ગાંધીનગર ખાતે પ્રથમ પત્રકાર પરિષદને સંબોધતા  ભૂપેન્દ્ર પટેલે કહ્યું  કે, આપણા લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ જેપી નડ્ડા, ગાંધીનગરના લોકસભાના સાંસદ અને કેન્દ્રના ગૃહમંત્રી અમિત શાહે મારા પર વિશ્વાસ મૂક્યો છે તો હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. અમારા વડીલોએ સી.આર. પાટીલ અને વિજય રૂપાણીની ટીમે મારા પર વિશ્વાસ મૂક્યો છે તેથી તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. હર હંમેશા મારા પર આશીર્વાદ આનંદીબેનના રહ્યા છે અને રહેશે. ગુજરાતના જે વિકાસના કર્યો છે તે સરકાર અને સંગઠનની સાથે રહીને કરીશું. અત્યાર સુધીમાં ખૂબ સારા કાર્યો થયા અને છેવાડાના માનવી સુધી પહોંચવાનો પ્રયત્ન થઇ રહ્યો છે. વધુમાં પણ જે કઈ કામ બાકી હશે તે અમે નવે સરથી પ્લાન કરીને સંગઠનની સાથે બેસીને ખૂબ સારી રીતે આગળ વધાય તે માટેના પ્રયાસ કરીશું.


 


તેમણે કહ્યું હતું કે, મને કોઈ અણસાર હતો કે નહીં તે તમને બધાને ખબર પડી જ ગઈ હશે. પાર્ટીની પદ્ધતિ જ નથી કે જ્યારે પાર્ટી કહે ત્યારે જ નામની ખબર પડે. ભારતીય જનતા પાર્ટી એ ફક્ત ચૂંટણી લક્ષી કામ કરવા માટે ટેવાયેલી નથી. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પ્રજાની વચ્ચે રહીને કામ કરતો રહ્યો છે અને કામ કરતો રહેશે. આવતી કાલે અમે શપથ લઈશું. આજે સાંજે 6 વાગ્યે અમે રાજ્યપાલને મળવા જવાના છીએ.