(Source: ECI | ABP NEWS)
મહાનગરપાલિકા અને નગરપાલિકાને લઈને રાજ્ય સરકારની મોટી જાહેરાત, 16,316 કરોડના ખર્ચ થશે કાયાપલટ
મહાનગરપાલિકા અને નગરપાલિકામાં પાયાની માળખાકીય સુવિધા માટે 16,316 કરોડથી વધુના 927 કામ મંજૂર કરવામાં આવ્યા છે.

ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ છેલ્લા 24 વર્ષમાં રાજ્યના નાગરિકોને જીવન જરૂરી માળખાકીય સુવિધાઓ પૂરી પાડવા માટે ભૌતિક માળખાકીય સુવિધાઓ, સામાજિક માળખાકીય સુવિધાઓ, વિકાસ, અર્બન મોબિલિટી તથા ગુજરાતના આગવી ઓળખના કામો તેમજ શહેરના આઉટગ્રોથ એરીયા ડેવલપમેન્ટના કામો માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. જેના ભાગરૂપે ‘અમૃત 2.0’ યોજના હેઠળ રાજ્યમાં મહાનગરપાલિકા અને નગરપાલિકામાં પાયાની માળખાકીય સુવિધા માટે 16,316 કરોડથી વધુના 927 કામ મંજૂર કરવામાં આવ્યા છે.
વડાપ્રધાનના સુશાસનના 24વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાતમાં 07 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. દેશનું ગ્રોથ એન્જીન ગણાતું ગુજરાત આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નેતૃત્વમાં શહેરી વિકાસ તરફ તેજ ગતિએ આગળ વધી રહ્યું છે.
અટલ મિશન ફોર રેજ્યુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન (AMRUT) યોજનાએ ભારત સરકારની એક મહત્વપૂર્ણ શહેરી વિકાસ યોજના છે. જેનો લક્ષ્ય શહેરી વિસ્તારોમાં મૂળભૂત સુવિધાઓને મજબૂત બનાવીને લોકોના જીવનધોરણને સુધારવાનો છે. આ યોજના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 25, જૂન, 2015માં શરૂ કરવામાં આવી હતી. ત્યાર બાદ ભારત સરકારના શહેરી વિકાસ મંત્રાલય દ્વારા અમૃત 2.0 મિશન 1 ઓક્ટોબર 2021ના રોજથી સમગ્ર દેશમાં અમલમાં આવી હતી. શહેરી જીવનની ગુણવત્તા સુધારવા ‘અમૃત 2.0 મિશન’ અંતર્ગત માળખાકીય પાયાની સુવિધાઓના વિવિધ કામો હાથ ધરવામાં આવ્યા છે.
અમૃત 1.0 મિશન હેઠળ ગુજરાતના 31 શહેરોની પસંદગી કરવામાં આવી છે, જેમાં અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જૂનાગઢ, ભાવનગર, જામનગર અને ગાંધીનગર મહાનગરપાલિકા ઉપરાંત રાજ્યની 22 ‘અ’ વર્ગની નગરપાલિકા તેમજ દ્વારકા નગરપાલિકાનો સમાવેશ થાય છે. જ્યારે અમૃત-2.0 યોજના હેઠળ રાજ્યની તમામ નગરપાલિકા તથા મહાનગરપાલિકા વિસ્તારમાં પાણી પુરવઠા, બાગ-બગીચા અને તળાવ નવીનીકરણ કામો હાથ ધરવામાં આવેલ છે તથા રાજ્યના 31 અમૃત શહેરોમાં ભૂગર્ભ ગટર યોજનાના કામો પણ હાથ ધરવામાં આવેલ છે.
અમૃત 2.0 મિશન હેઠળ આવરી લેવાયેલા ગુજરાતના આ શહેરોમાં પાયાની માળખાકીય સુવિધા માટે 16,316 કરોડથી વધુના 927 કામ મંજૂર કરવામાં આવ્યા છે. જેમાં કેન્દ્ર સરકારનો 4504 કરોડ રૂપિયા, રાજ્ય સરકારનો 5597 કરોડ તેમજ 6215 કરોડો ULB- અર્બન લોકલ બોડીનો ફાળો છે. અમૃત 2.0 મિશન હેઠળ પ્રોજેક્ટ કમ્પોનન્ટ સિવાય કેપેસીટી બિલ્ડીંગ, અર્બન રિફોર્મ્સ સંબધિત કામગીરી પણ કરવામાં આવે છે.
‘અમૃત 2.0 યોજના’ હેઠળ છેલ્લા 5 વર્ષમાં મહાનગરપાલિકા વિસ્તારમાં પાણી પુરવઠાને લગતા 4931 કરોડ રૂપિયાના 149 કામો, ભૂગર્ભ ગટર વ્યવસ્થાપનના 5437 કરોડના 112 કામો, તળાવ નવીનીકરણના 207 કરોડ રૂપિયાના 37 કામો, બાગ બગીચાના 8 કરોડ રૂપિયાના 04 કામો તેમજ નગરપાલિકા વિસ્તારમાં પાણી પુરવઠાના 3739 કરોડ રૂપિયાના 292 કામો, ભૂગર્ભ ગટર વ્યવસ્થાપનના 1440 કરોડ રૂપિયાના 55 કામો, તળાવ નવીનીકરણના 443 કરોડ રૂપિયાના 151 કામો તેમજ બાગ – બગીચાના 110 કરોડ રૂપિયાના ખર્ચે 127 કામો મહાનગરપાલિકા અને નગરપાલિકામાં પાયાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને મંજૂર કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ‘અમૃત 2.0 યોજના’ હેઠળ શહેરી વિકાસ અંતર્ગત રાજ્યના તમામ શહેરો દ્વારા પાણી પુરવઠાના કામો જેમાં સોર્સ ઓગ્મેનટેશન, ટ્રાન્સમીશન લાઈન, વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, પીવાના પાણીના સંગ્રહ હેતુ ભૂગર્ભ ટાંકી તથા ઉંચી ટાંકી, પાણી વિત્તરણ પાઈપલાઈન નેટવર્ક તથા ઘર જોડાણ જેવા ઘટકોનો સમાવેશ કરવામાં આવે છે. ભૂગર્ભ ગટર વ્યવસ્થાપનાં કામો જેમાં ઘર જોડાણ, કલેક્શન નેટવર્ક, પમ્પીંગ સ્ટેશન – પમ્પીંગ મશીનરી, સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તથા ટર્શ્યરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ જેવા ઘટકોનો સમાવેશ કરવામાં આવે છે.





















