Train Schedule: રાજ્યમાં હાલ વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, જેના કારણે અનેક જિલ્લામાં જળપ્રલય જેવી સ્થિતિ છે. આ દરમિયાન સૌરાષ્ટ્રથી સુરત, મુંબઈ ટ્રેનમાં જતા મુસાફરો માટે સમાચાર સામે આવ્યા છે.
બાંદ્રા -મહુવા ટ્રેનને બોટાદ થભાવી દેવામાં આવશે. લીલીયા - દામનગર વચ્ચે ટ્રેકમાં ખામી સર્જાતા ટ્રેન થોભી દેવામાં આવશે. વરસાદના કારણે ટ્રેક ધોવાઈ જતા ટ્રેન બોટાદથી આગળ નહીં જાય. તમામ મુસાફરો માટે રેલવે વિભાગે એસટી વિભાગ મારફતે મુસાફરોને મોકલવા માટેની વ્યવસ્થા કરવામાં આવશે. ટ્રેનમાંઆશરે 700 જેટલા મુસાફરો છે. મહુવાથી સુરત જતી ટ્રેન રદ કરવામાં આવી છે.
મહુવા પર મેઘો ઓળઘોળ
મહુવા ઉપર આ વર્ષે પણ મેઘરાજા ઓળઘોળ હોય તેમ ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના કારણે નિચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ પર જાણે વરસાદી પાણીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
વરસાદમાં સેલ્ફી લેવા જતા યુવતી- યુવાનો માટે લાલબત્તી સમાન કિસ્સો ભાવનગરથી સામે આવ્યો છે. મહુવા શહેરમાં ચાલુ વરસાદમાં અગાસી પર સેલ્ફી લેવાના ચક્કરમાં 19 વર્ષીય યુવતીનો પગ લપસી જતા મોતને ભેટી છે. મહુવાના યોગી ફ્લેટમાં રહેતી સ્વાતિ નામની યુવતી ગઈકાલે પડેલા વરસાદમાં અગાસી પર ન્હવા માટે ગઈ હતી એ દરમિયાન વિડિઓ સેલ્ફી લેવાના ચક્કરમાં આઠમાં માળેથી નીચે પટકાતા કરુણ મોત નીપજ્યું હતું. બનાવના પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
જુનાગઢ જિલ્લાના આઠ ડેમ ઓવરફ્લો થતાં 41 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. પરિસ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફની ટીમ બરોડાથી બોલાવવામાં આવી છે. એનડીઆરએફની ટીમને હાલ કેશોદ ખાતે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ વિસાવદર તાલુકામાં નોંધાયો છે. જુનાગઢ માંથી પસાર થતી સોનરખ નદી બે કાંઠે વહેતી થઈ છે. જૂનાગઢના ગિરનારમાં છેલ્લા 24 કલાકથી વરસાદને લઈને નદીઓ ગાંડીતુર થઈ છે. ગરવા ગિરનારના પહાડોમાં સતત વરસાદને લઈને પાણીનો પ્રવાહ નદીઓમાં યથાવત છે. નદીઓમાં સતત પાણીનો પ્રવાહ વધી રહ્યો છે નીચાણ વાળા અનેક ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રમાં ખાસ કરીને જામનગર, જુનાગઢ, રાજકોટ, સોમનાથ જિલ્લામાં મેઘરાજાના રૌદ્રરૂપના દર્શન થયા હતા અને ચોતરફ ખેતરો અને ગામોમાં પાણી ભરાયા હતા.
Join Our Official Telegram Channel: