ધોરણ 12 સાયન્સના રિપીટર વિદ્યાર્થીઓ માટે હવે 28થી 30 જુલાઈ સુધી પ્રેક્ટિકલ પરીક્ષા લેવાશે. આ પહેલા કોરોનાને લીધે આઠ શહેરોમાં પ્રેક્ટિકલ પરીક્ષા મોકુફ કરી દેવાઈ હતી. જેથી હવે આ પરીક્ષા લેવાશે. પરંતુ જે નિયમિત વિદ્યાર્થીઓને સરકારના નિયમ મુજબ આપવાની થતી નથી. કોરોનાને લીધે સરકારના આદેશથી 19 માર્ચથી રાજ્યના અમદાવાદ સહિતના આઠ કોર્પોરેશન શહેરોમાં સ્કૂલો કોલેજો બંધ કરાઈ હતી અને જેના પગલે 30 માર્ચથી બોર્ડે ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે લેવાનારી ફિઝિક્સ,કેમિસ્ટ્રી અને બાયોલોજી વિષયની પ્રેક્ટિકલ પરીક્ષા આઠ શહેરોમાં મોકુફ કરી દેવાઈ હતી.
ત્યારબાદ સરકારે નિયમિત વિદ્યાર્થીઓની મુખ્ય બોર્ડ પરીક્ષા રદ કરી દીધી છે. જેથી હવે નિયમિત વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ પરીક્ષા પણ થનાર નથી અને આ વિદ્યાર્થીઓને નિશ્ચિત ફોર્મ્યુલા મુજબ પરિણામ મળશે. પરંતુ રીપિટર વિદ્યાર્થીઓ માટે મુખ્ય થીયરી બોર્ડ પરીક્ષા 15 જુલાઈથી લેવામા આવનાર છે અને હવે આઠ શહેરોના રીપિટર વિદ્યાર્થીઓ માટે પ્રેક્ટિકલ પરીક્ષા પણ જાહેર કરી દેવાઈ છે. જે 28થી 30 જુલાઈ સુધી લેવાશે.
NEET (UG) 2021ની પરીક્ષાની તારીખ જાહેર
NEET (UG) 2021ની પરીક્ષાઓની જાહેરાત કરી દેવામાં આવી છે. નવા શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને તેની જાહેરાત કરી છે. આગામી 12 સપ્ટેમ્બરે દેશભરમાં NEET (UG) 2021ની પરીક્ષાઓ યોજાશે. કોરોના ગાઈડલાઇનના સંપૂર્ણ પાલન સાથે પરીક્ષાઓ યોજાશે.
198 શહેરોમાં આયોજીત થશે નીટ યૂજી પરીક્ષા
ધર્મેંદ્ર પ્રધાને જણાવ્યું કે પરીક્ષા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા માટે 198 શહેરોમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. વર્ષ 2020માં 155 શહેરોમાં આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વખતે કોરોનાના કારણે પરીક્ષા કેંદ્રોની સંખ્યાને પણ વધારવામાં આવી છે. કોવિડ19ના પ્રોટોકોલનું પાલન કરવા માટે તમામ ઉમેદવારોને પરીક્ષા કેંદ્ર પર માસ્ક આપવામાં આવશે. તેમની એન્ટ્રી અને એક્ઝિટ દરમિયાન કૉન્ટેક્ટલેસ રજિસ્ટ્રેશન, પ્રોપર સેનિટાઈજેશન અને સોશિયલ ડિસ્ટન્સિંગ અનુસાર સીટિંગ પ્લાન બનાવાયો છે.