વલસાડ: વલસાડમાં ઝડપની મજા, મોતની સજા બની છે. હીટ એન્ડ રનની ઘટનામાં બાઈક રાઈડરનું મોત થયું છે. હાઈવેને રેસિંગ ટ્રેક સમજતું બાઈક રાઈડર્સનું એક ગ્રૂપ વલસાડથી મુંબઈ માટે રવાના થયું હતું. સુગર ફેક્ટરી પાસેના ઓવરબ્રિજ પર પ્રિન્સ રાઈડર નામના યુવકને અકસ્માત નડ્યો હતો. 


અજાણ્યા વાહનની અડફેટે ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે જ તેનું મોત થયું હતું.  બાઈકની સ્પીડ એટલી હતી કે, હેલ્મેટનો પણ કચ્ચરઘાણ વળી ગયો હતો.  અકસ્માત બાદ તેની સાથે રહેલા બાઈક રાઈડર્સ ફરાર થઈ ગયા હતા.  અકસ્માત પહેલાના કેટલાક CCTV દ્રશ્યો સામે આવ્યા, જેમાં એક બાદ એક બાઈક રાઈડર રોકેટની સ્પીડમાં પસાર થતા દેખાયા હતા.  મૃતક પ્રિન્સ રાઈડરે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કેટલાક વીડિયો પોસ્ટ કર્યા હતા.જેમાં તે બાઈક સાથે જોખમી સ્ટંટ કરતો જોવા મળ્યો હતો. દર રવિવારે બાઈકરનું ગ્રૂપ ફરવા માટે વલસાડથી મુંબઈ જતું હતું.


આ અકસ્માત અંગે સ્થાનિક લોકો અને રાહદારીઓને જાણ થતા તાત્કાલિક બાઈક રાઈડર્સની મદદ માટે પહોંચ્યા હતા. તેમજ રૂરલ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બાઈક રાઈડર્સની લાશનો કબ્જો મેળવી લાશનું પોસ્ટમોર્ટમ કરાવવાની તજવીજ હાથ ધરી હતી.  


અંકલેશ્વર નજીક ભયંકર અકસ્માત, સ્ટિયરિંગ પરથી કાબૂ ગૂમાવતા કાર કેનાલમાં ખાબકી


અંકલેશ્વરમાં એક ભંયકર રોડ દુર્ધટનાના કારણે કાર કેનાલમાં ખાબકી, જેના કારણે પત્ની વહેલમાં તણાઇ જતાં લાપતા છે. જેની શોધખોળ ચાલી રહી છે. પતિ પત્ની બંને મૂવિ જોઇને ઘરે પરત ફરતા હતા આ દરમિયાન  રોડ પર અચાનક જ ભૂંડનું ઝૂંડ આવી ગયું, કાર સ્પીડમાં હોવાથી કારને સાઇડમાં કરવા જતાં ડ્રાઇવરે સ્ટિયરિગ પરથી કાબૂ ગૂમાવ્યો અને કાર કેનાલમાં ખાબકી. આ દુર્ઘટનામાં પતિનો આબાદ બચાવ થયો પરંતુ પત્ની કેનાલના વહેણમાં તણાઇ જતાં લાપતા છે. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો અને ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને પત્નીની શોધ ખોળ માટે રેસ્ક્યુ શરૂ કર્યું છે.


તો બીજી તરફ અરવલ્લીના ધનસુરાના અંબાસર પાસે ભયાનક અકસ્માત સર્જાયો હતો, જેમાં ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મળતી જાણકારી અનુસાર, ધનસુરાના અંબાસર પાસે બાઈક અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતકોની ઓળખ દિપક સોલંકી, અજય પરમાર અને સિદ્ધરાજસિંહ સોલંકી તરીકે કરવામાં આવી છે.


ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ત્રણેય યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ધનસુરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા હતા. યુવકોના મોતને લઈ પરિવારજનોમાં શોકનો માહોલ છે. અકસ્માત સર્જનાર ડમ્પરનો ચાલક ફરાર થઇ ગયો હતો. પોલીસે ડમ્પર કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.