Biporjoy: રાજ્યમાં બિપરજૉય વાવાઝોડાની સ્થિતિ વધુને વધુ વિકટ બની રહી છે, વાવાઝોડુ દરિયામાં રૌદ્ર રૂપ ધારણ કરી ચૂક્યુ છે, અને આજે સાંજ ગુજરાતના દરિયા કાંઠે ટકરાશે, હવામાન વિભાગે આ પહેલા જ રાજ્યમાં તમામને ચેતવી દીધા છે કે, આ દરમિયાન કોઇએ બહાર કે અન્ય કોઇ કામ ના કરવા. હવે બિપરજૉયની સ્થિતિને ધ્યાનમાં રાખીને કચ્છમાં વધુ બે દિવસ માટે શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કચ્છમાં બિપરજૉય વાવાઝોડાની અસરને લઇને શૈક્ષણિક કાર્યને વધુ બે દિવસ બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ પહેલા શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો, હવે તેને વધુ બે દિવસ લંબાવવામાં આવ્યો છે. હવે આગામી 17 જૂન સુધી કચ્છમાં તમામ શાળા-કૉલેજોના શૈક્ષણિક કાર્યને બંધ રાખવામાં આવશે.
કામ વગર ઘર બહાર નીકળશો નહી, મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલની લોકોને અપીલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યનાં દરિયાકાંઠા વિસ્તારોમાં બિપરજોય વાવાઝોડાની સંભવિત આપદાને પગલે નાગરિકોને સુરક્ષા-સલામતી માટે વહીવટી તંત્રનો સહયોગ કરવા અપીલ કરી છે. મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલે બિપરજોય વવઝોડાની આ સંભવિત આપદાને પહોંચી વળવા રાજ્ય સરકારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહના માર્ગદર્શનમાં જે આગોતરૂ આયોજન કર્યું છે તેની વિગતો આપી હતી. ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકોને કરેલી અપિલમાં જણાવ્યું કે, ઝિરો કેઝ્યુઆલિટીના એપ્રોચ સાથે રાજ્ય સરકારે આગોતરા બચાવ-રાહત, પૂન:વ્યવસ્થાપનના આયોજન સુનિશ્ચિત કરી લીધા છે. મુખ્યમંત્રીએ નાગરિકોને રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વખતો વખત અપાતી સૂચનાઓ-નિર્દેશીકાનું પાલન કરવાની પણ અપીલ કરી છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, ખાસ કરીને ભારે વરસાદ અને તિવ્ર પવનની આગાહીને પગલે બને ત્યાં સુધી ઘરમાં જ સલામત રહીએ અને બહાર નિકળવાનું ટાળીએ. વૃક્ષ નીચે, થાંભલાઓ પાસે કે જુના જર્જરીત મકાનોમાં આશ્રય લેવાનું ટાળીએ. વીજળીના તાર કે વીજ ઉપકરણોને અડીએ નહી અને વીજ થાંભલાથી દૂર રહીએ. મુખ્યમંત્રીએ સૌને જરૂરિયાતના સમયે સ્થળાંતર માટે તંત્રનો સહયોગ કરવા અને સૂચનાઓનું પાલન કરી પોતાની અને પોતાના પરિવારની સુરક્ષા સુનિશ્ચિત કરવા અનુરોધ કર્યો છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, સલામતી, સાવચેતી અને અગમચેતી એ જ આવી આપદાઓ સામે ટકી રહેવાનો યોગ્ય માર્ગ છે અને આવા સમયે રાજ્ય સરકાર દિવસરાત સૌની સલામતિ માટે સેવારત છે.