Gujarat Assembly Election 2022: ઉમેદવારોના માન જાહેર થયા બાદ ઘણી બેઠકો પર સ્થાનિક લોકોથી લઈને નેતાઓએ નારાજગી વ્યક્ત કરી છે. જેના કારણે ઘણી જગ્યાએ પાર્ટીને ઉમેદવાર બદલવાની ફરજ પણ પડી છે. હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે. વઢવાણ બેઠક માટે ભાજપે જાહેર કરેલા જિજ્ઞા પંડ્યાનુ નામ પાછુ ખેંચવામાં આવ્યું છે. તેની જગ્યાએ જગદીશ મકવાણાને ટિકિટ આપવામાં આવી છે.


તમને જણાવી દઈએ કે, સમગ્ર સૌરાષ્ટ્રમા સતવારા સમાજને એક પણ ટિકિટ ન મળતા સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશ મકવાણાને ઉમેદવારોની તક મળે તેવી માગ તેમના સમાજના આગેવાનોએ કરી હતી. ભાજપના વઢવાણના ઉમેદવાર કમલમ ખાતે પણ પહોંચ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં દલવાડી સમાજના ઉમેદવાર બનાવવાની સ્થાનિકોની માગ હતી. તો બીજી તરફ વઢવાણ બેઠકમાં ભાજપના ઉમેદવાર જિજ્ઞાબેન પડ્યાએ નિવેદન આપતા કહ્યું કે, પક્ષ જે નિર્ણય કરે તે યોગ્ય છે. જો કે આ દરમિયાન તેમનો એક પત્ર પણ સામે આવ્યો છે જેમાં તેમણે ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી હતી અને કોઈ બીજા ઉમેદવારને ટિકિટ આપવા કહ્યું હતું.


 શું પાલભાઈ આંબલિયા અપક્ષ ઉમેદવારી નોંધાવશે? 


ગુજરાત વિધાનસભા ચૂંટણીનો જંગ શરૂ થઈ ગયો છે. દરેક પાર્ટી પ્રચાર પ્રસારમાં એડીચોટીનું જોર લગાવી રહી છે. જો કે, ઉમેદવારોના નામ જાહેર થયાના કલાકોમાં જ વિરોધ શરૂ થઈ ગયો છે. ઘણા નેતાઓએ નારાજગી પણ વ્યક્ત કરી છે. કોંગ્રેસ નેતા અને ખેડૂતોના પ્રશ્નોને લઈને હંમેશા ચર્ચામાં રહેતા પાલભાઈ આંબલીયાએ પણ આ વખતે ટિકિટ માગી હતી. જો કે તેમને ટિકિટ ન મળતા તેમના સમર્થકોએ નારાજગી વ્યક્ત કરી છે.


હવે આ અંગે 82 વિધાનસભાની કોંગ્રેસની ટિકિટ જાહેર થયા પછી ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, જે લોકો મીડિયામાં અફવા ચલાવે છે કે, પાલભાઈ આંબલિયા અપક્ષ ચૂંટણી લડશે તે ખોટું છે. સ્વાભાવિક છે કે હું નારાજ હોઉં, થોડો રોષ પણ હોય પણ હૂઁ કોંગ્રેસમાં હતો, છું અને રહીશ , હૂઁ કોઈ અપક્ષ કે અન્ય પાર્ટીમાંથી ચૂંટણી લડવાનો નથી.


રાજકોટ પશ્ચિમ બેઠકને લઈને કોંગ્રેસનું કોકડું ગુચવાયું


ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ કોંગ્રેસ દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવી રહ્યા છે. ઉમેદવારનો નામ જાહેર થયા બાદ કેટલીક જગ્યાએ અસંતોષ જોવા મળી રહ્યો છે. ભાજપ દ્વારા રાજકોટ પશ્ચિમ સીટ પરથી ડો. દર્શિતા પારસ શાહને ઉમેદવાર જાહેર કર્યા છે, જ્યારે આ બેઠકને લઈ કોંગ્રેસનું કોકડું હજુ ગુંચવાયું છે. કોંગ્રેસ લોહાણા સમાજ કે કડવા પાટીદાર સમાજમાંથી કોને ટિકિટ આપશે? તેના પર નજર છે. કડવા પાટીદાર સમાજ માંથી મનસુખ કાલરીયા લોહાણા સમાજમાંથી ગોપાલ ઉનડકટ દાવેદાર છે. રાજકોટ પશ્ચિમ વિધાનસભામાં બંને સમાજના મતદારોનું પ્રભુત્વ  છે. બંને સમાજે ભાજપમાંથી ટિકિટ  માંગી હતી, આ સીટ ભાજપનો ગઢ હોવાથી ભાજપે આ બેઠક પર જૈન સમાજને ટિકિટ આપી છે.