ભાજપના દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ પક્ષ છોડવાની ચીમકી આપી હતી. મળતી જાણકારી અનુસાર, ભાજપ સાંસદ મનસુખ વસાવાની 75 લાખના તોડ મુદ્દે ન્યાય નહીં મળે તો ભાજપ છોડવાની ધમકી આપી હતી. ચૈતરે રૂપિયા માંગ્યાનો આરોપ કલેક્ટરે નકારતા મનસુખ વસાવા નારાજ થયા હતા. મનસુખ વસાવાએ કહ્યું હતું કે અધિકારીઓ અને સરકાર માટે ખોટા લોકો સામે લડું છું. તેમણે આરોપ લગાવ્યો હતો કે કલેક્ટર ચૈતર સાથે મળી ગયા છે. સરકાર ન્યાય નહીં અપાવે તો હું ભાજપ છોડી દઈશ. કલેક્ટર ચૈતર વસાવાને બચાવી રહ્યા છે. આવતીકાલે કલેક્ટરને રૂબરૂ મળવા જવાનો છું.
મનસુખ વસાવાએ કહ્યું હતું કે ચૈતર વસાવાએ 75 લાખ માંગ્યા હોવાની રજૂઆત જિલ્લા કલેક્ટરે મને જિલ્લા પ્રમુખની સામે કરી હતી. આજે જિલ્લા કલેકટર એમની સામે ના પાડે એટલે એ એમની સાથે મળી ગયા છે. સરકાર મારી સાથે ન્યાય નહિ કરે તો હું ભારતીય જનતા પાર્ટી છોડી દઈશ. હું અધિકારીઓ અને સરકાર માટે લડી રહ્યો છું અને આવા ખોટા લોકોની સામે એક્શન લેવા જોઈએ પણ એને બચાવી રહ્યા છે.હું આવતીકાલે કલેક્ટર નર્મદાને રૂબરૂ મળવા જવાનો છું અને પૂછીશ કે તમે અમારી હાજરીમાં તો કહ્યું હતું પછી કેમ ફરી ગયા.
આ મામલે ચૈતર વસાવાએ કહ્યું હતું કે વાત ખોટી હોવાનો કલેક્ટરે ખુલાસો કર્યો છે. મનસુખ વસાવા પાયાવિહોણા આરોપો લગાવે છે. મને બદનામ કરવાનો પ્રયાસ છે. ખોટા આરોપ લગાવશે તો કાયદેસરની કાર્યવાહી કરીશું.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ્યારે ચૈતર વસાવાએ કલેક્ટરને મળીને આ બાબતે સ્પષ્ટતા માંગી ત્યારે કલેક્ટરે આવી કોઈપણ માંગણી થઈ હોવાનો ઇનકાર કર્યો હતો. કલેક્ટરના આ જવાબથી સાંસદ મનસુખ વસાવા લાલઘૂમ થયા છે.
શું છે સમગ્ર મામલો?
સાંસદ મનસુખ વસાવાએ જાહેરમાં આક્ષેપ કર્યો હતો કે, AAP ધારાસભ્ય ચૈતર વસાવા સરકારી અધિકારીઓ પર દબાણ બનાવી રહ્યા છે. મનસુખ વસાવાના જણાવ્યા મુજબ, ચૈતર વસાવાએ માર્ગ અને મકાન વિભાગ (R&B Department) ના અધિકારીઓ પાસે સરકારી કામો અને ગ્રાન્ટની માહિતી માંગી હતી. સાંસદનો આરોપ છે કે ચૈતર વસાવા પહેલા માહિતી માંગે છે અને ત્યારબાદ અધિકારીઓને ડરાવીને 'તોડપાણી' (Extortion) કરવાનો પ્રયાસ કરે છે.
75 લાખની માંગણી અને કલેક્ટરની સાક્ષી
મનસુખ વસાવાએ દાવો કર્યો છે કે, ચૈતર વસાવાએ માર્ગ મકાન વિભાગના અધિકારી પાસે 75 Lakh રૂપિયાની માંગણી કરી હતી. આ વાતનો ખુલાસો કરતા સાંસદે કહ્યું કે, "આ કોઈ હવામાં કરેલી વાત નથી. ખુદ જિલ્લા કલેકટરે મને અને જિલ્લા ભાજપ પ્રમુખની હાજરીમાં આ વાત કરી છે. કલેક્ટર જેવી જવાબદાર વ્યક્તિ ક્યારેય ખોટું ન બોલે." સાંસદે કહ્યું કે ચૈતર વસાવા વારંવાર ખોટા આક્ષેપો કરતા હોવાથી મારે હવે તેમને ખુલ્લા પાડવાની ફરજ પડી છે. આટલેથી ન અટકતા મનસુખ વસાવાએ સરકારી અધિકારીઓને ખુલ્લી સલાહ અને હિંમત આપી છે. તેમણે અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, "તમારે ગભરાવાની જરૂર નથી. ચૈતર વસાવાને એક પણ રૂપિયો આપશો નહીં."
ભાજપના કાર્યકરોને કામ મળ્યાનો આક્ષેપ ફગાવ્યો
ઉલ્લેખનીય છે કે, ચૈતર વસાવાએ આક્ષેપ કર્યો હતો કે વડાપ્રધાનના કાર્યક્રમમાં ભાજપના મળતિયાઓને કામ આપવામાં આવ્યા હતા. આ મુદ્દે મનસુખ વસાવાએ ચેલેન્જ ફેંકતા કહ્યું હતું કે, "ચૈતર વસાવા યાદી આપે કે કયા ભાજપના મુરતિયાને કામ મળ્યું છે? ખોટી વાતો કરવાને બદલે પુરાવા રજૂ કરે."