Gujarat News:બનાસકાંઠા બાદ અમદાવાદ અને ગાંધીનગરના વિસ્તારનું પણ વિભાજન કરીને નવા જિલ્લાની રચનાની રાજ્ય સરકારે તૈયારી કરી લીધી છે. આ સમયે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે પણ એક કાર્યક્રમ દરમાયન મોટી જાહેરાત કરી હતી. હાર્દિક પટેલે કહ્યું કે, “છાતી ઠોકીને કહું છું, વિરમગામ જિલ્લો બનશે અને અને નળકાંઠા તાલુકો બનશે. નોંધિય છે કે, વિરમગામ તાલુકાના રૂ. 2.70 કરોડના વિકાસ કામોના ભૂમિ પૂજન અને લોકાર્પણ સમયે હાર્દિક પટેલે પ્રાસંગિક વ્યક્ત્ય આપતાં આ નિવેદન આપ્યું હતું.
ઉલ્લેખનિય છે કે 1 જાન્યુઆરી બુધવારે ગુજરાત સરકારે રાજ્ય સરકારે 'વહીવટી સુગમતા અને નાગરિકોના લાભ' માટે બનાસકાંઠા જિલ્લામાંથી વાવ-થરાદ નામનો જિલ્લો બનાવવાનો નિર્ણય કર્યો છે.વાવ-થરાદ નામના નવા જિલ્લામાં વાવ, ભાભર, થરાદ, ધાનેરા, સૂઈગામ, લાખણી, દિયોદર અને કાંકરેજ એમ કુલ આઠ તાલુકાઓ તેમજ ભાભર, થરાદ, થરા અને ધાનેરા એમ ચાર નગરપાલિકાઓનો સમાવેશ થશે.જ્યારે બનાસકાંઠા જિલ્લામાં બાકીના છ તાલુકા પાલનપુર, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, વડગામ અને ડીસા રહેશે. તેમજ પાલનપુર અને ડીસા એમ બે નગરપાલિકાઓનો બનાસકાંઠામાં કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનિય છે કે, બનાસકાંઠા જિલ્લાના વિભાજનની જાહેરાતનો આજે બનાસકાંઠા જિલ્લામાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો. બનાસકાંઠામાંથી વાવ-થરાદ નામનો નવો જિલ્લો બનાવવાની જાહેરાત થતાં જ વિરોધ શરૂ થયો હતો. ધાનેરાના પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલ અને કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે સરકારના નિર્ણયનો વિરોધ કર્યો છે. પૂર્વ ધારાસભ્ય નાથાભાઈ પટેલનું કહેવું છે કે, બનાસકાંઠાનું વિભાજન કરી વાવ-થરાદ જિલ્લામાં ધાનેરાનો સમાવેશ કરાયો, તે યોગ્ય નથી. ધાનેરા તાલુકાના લોકોને વાવ-થરાદ નહીં પરંતુ બનાસકાંઠા જિલ્લામાં જ રહેવું છે. ધાનેરાા લોકો માટે થરાદ વિસ્તાર અનુકૂળ નથી. નાથાભાઈ પટેલના મતે, ભવિષ્યમાં સરકારના આ નિર્ણયના વિરોધમાં જો લોકો આંદોલન કરશે તો કૉંગ્રેસ લોકોની પડખે ઉભી રહેશે.
તો કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે પણ સરકારના નિર્ણયને અયોગ્ય ગણાવ્યો હતો. કાંકરેજ તાલુકાનો સમાવેશ વાવ-થરાદ જિલ્લામાં કરાતા અમૃતજી ઠાકોરે વિરોધ નોંધાવ્યો હતો. અમૃતજી ઠાકોરે માંગ કરી હતી કે કાંકરેજ તાલુકાનો સમાવેશ બનાસકાંઠા જિલ્લામાં થવો જોઈએ. સરકારે કોઈપણ ભૌગોલિક સ્થિતિને ધ્યાને લીધા વિના જ નિર્ણય કર્યાનો અમૃતજી ઠાકોરે આરોપ લગાવ્યો હતો.