કાંતિ અમૃતિયા બાદ વધુ એક ભાજપના ધારાસભ્યની ગોપાલ ઇટાલીયાને ‘મોરે મોરા’ આવવાની ચેલેન્જ, કહ્યું – ચૂંટણી જીતી બતાવો તો...
મોરબી અને વિસાવદર વિધાનસભા બેઠકના ધારાસભ્યો વચ્ચે સામસામે ચૂંટણી લડવાની ચેલેન્જનો મામલો ગરમાયો છે.

Jitu Somani Vs Gopal Italia: મોરબી અને વિસાવદર વિધાનસભા બેઠકના ધારાસભ્યો વચ્ચે સામસામે ચૂંટણી લડવાની ચેલેન્જનો મામલો ગરમાયો છે. વાંકાનેર-મોરબી બેઠકના ભાજપના ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલીયાને મોરબીની પીચ પર ચૂંટણીનો મેચ રમવા માટે ખુલ્લું આમંત્રણ આપ્યું છે. સોમાણીએ એક મોટો પડકાર ફેંકતા જણાવ્યું છે કે, "જો ગોપાલ ઇટાલીયા મોરબી કે વાંકાનેર બેઠક પરથી ચૂંટણી જીતી બતાવે તો હું મારા વાંકાનેર બેઠક ઉપરથી ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દઈશ."
આ ઘટનાએ સૌરાષ્ટ્રના રાજકારણમાં ભારે ગરમાવો લાવી દીધો છે. ખાસ કરીને જ્યારે આગામી વિધાનસભા ચૂંટણીઓ નજીક આવી રહી છે, ત્યારે આવા પડકારો રાજકીય માહોલને વધુ રસપ્રદ બનાવે છે.
નોંધનીય છે કે, ગુજરાતના રાજકારણમાં અત્યારે 'ચેલેન્જ'નું જોરદાર ચર્ચા ચાલે છે, ને એમાં મોરબીના ભાજપના ધારાસભ્ય કાંતિ અમૃતિયાએ એક મોટો દાવ રમ્યો છે! અમૃતિયાએ આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયાની ચેલેન્જ ખુલ્લેઆમ સ્વીકારી લીધી છે, ને કહી દીધું છે કે, "હું તો રાજીનામું આપવા તૈયાર છું!" આ તો મોરબીમાં હવે 'મોરે મોરાનો' જંગ જામે એવું લાગી રહ્યું છે!
અમૃતિયાનો ખુલ્લો પડકાર: 'આવો ગોપાલ, ભેગા રાજીનામું આપીએ!'
કાંતિ અમૃતિયાએ ચોખ્ખું કહી દીધું છે કે, "આવતા સોમવારે હું ને ગોપાલભાઈ બેય વિધાનસભા અધ્યક્ષ પાસે જઈને ભેગા જ રાજીનામું આપીએ. રાજીનામા આપ્યા પછી, મોરબીમાં આપડે ચૂંટણી લડીએ." અમૃતિયાએ પોતાની વાતમાં ભાર મૂકતા કીધું કે, "હું પાકી જબાનનો માણસ છું. જો હું મોરબીથી હારીશ, તો તમને ₹2 કરોડ આપીશ!" એમણે તો ત્યાં સુધી કીધું કે, "જો હવે ગોપાલ પોતાની વાતથી ફરશે, તો એના બાપમાં ફેર નહીં! ને જો હું ફરું, તો મારા બાપમાં ફેર હોય!" આટલી કડક ભાષામાં એમણે ગોપાલ ઇટાલિયાને પડકાર ફેંક્યો છે.
'તમે એકવાર ચૂંટાયા, હું સાત વાર લડ્યો છું!'
કાંતિ અમૃતિયાએ આ નિવેદન ગોપાલ ઇટાલિયાને આપ્યું, ને આમ આદમી પાર્ટીના નેતાઓ પર પણ નિશાન સાધ્યું. એમણે કીધું કે, "તમે તો ખાલી એકવાર ચૂંટાયા છો, ને હું તો સાત વાર ચૂંટણી લડ્યો છું." એમણે ઉમેર્યું કે, "આવતા સોમવારે અધ્યક્ષની સામે આપણે રાજીનામું આપી દઈએ, પછી ચૂંટણી આવે એટલે ખબર પડી જાય કોનામાં કેટલો દમ છે!"
અમૃતિયાએ પોતાના મોરબીના કાર્યકર્તાઓ પર પૂરો વિશ્વાસ વ્યક્ત કર્યો, ને કીધું કે, "તમે અહીં આવો, તમારા આપના દેશના તમામ નેતાઓ આવે ને આપણે ચૂંટણી લડીએ." એમણે આપ પાર્ટી પર કટાક્ષ કરતા કીધું કે, "વિસાવદરમાં એક સીટ જીત્યા એટલે આપના કાર્યકરોએ ને નેતાઓએ આટલો બધો ઉપાડો લીધો છે!"




















