BJP Unopposed Win Gujarat: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે હજુ મતદાનની પ્રક્રિયા બાકી છે, પરંતુ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી (BJP) એ અત્યારથી જ પોતાની જીતના શ્રીગણેશ કરી દીધા છે. રાજ્યના નવસારી, ખેડા, કચ્છ, તાપી અને પાટણ એમ અલગ-અલગ વિસ્તારોમાં મતદાન પહેલા જ ભાજપના અનેક ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે. સામે અન્ય કોઈ પક્ષ કે અપક્ષ ઉમેદવારે ફોર્મ ન ભરતા આ તમામ બેઠકો પર ભાજપના ઉમેદવારોને સીધી જ લોટરી લાગી ગઈ છે. ચૂંટણી પહેલા જ આ પરિણામો આવી જતા કાર્યકરો અને ઉમેદવારોમાં અગાઉથી જ જશ્નનો માહોલ છવાઈ ગયો છે.
નવસારીમાં ભાજપને મળી સૌથી મોટી બિનહરીફ જીત
દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં ભાજપે કમાલ જ કરી દીધી છે. અહીં મતદાન પહેલા જ પાર્ટીએ કુલ 9 બેઠકો પોતાના નામે કરી લીધી છે, જેમાં જિલ્લા પંચાયતની 3 અને ગણદેવી તાલુકા પંચાયતની 6 બેઠકોનો સમાવેશ થાય છે. જિલ્લા પંચાયતની વાત કરીએ તો, બિગરી બેઠક પરથી ભીખુ પટેલ, ઘેજ બેઠક પરથી અમિતાબેન અને દેવસર બેઠક પરથી રેખા પટેલ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. આ ઉપરાંત, ગણદેવી તાલુકા પંચાયતની બીગરી-1, બીગરી-2, દેવસર-2, માસા, ભાઠા અને અજરાઈ એમ કુલ 6 બેઠકો પર પણ ભાજપના ઉમેદવારો કોઈ પણ હરીફાઈ વગર સીધા જ જીતી ગયા છે.
તાપીના વ્યારામાં આખી પેનલનો સફાયો!
તાપી જિલ્લાના વ્યારામાં પણ વોર્ડ નંબર 5 માં ભાજપનો જબરદસ્ત દબદબો જોવા મળ્યો છે. અહીં ભાજપની આખી પેનલ જ બિનહરીફ જાહેર થઈ છે. કોઈ વિરોધ ન હોવાથી ભાજપના ઉમેદવારો દિલીપ જાધવ, દ્રષ્ટિ અનમોલા, અનિલ સીરસાથ અને નિમિષા ચૌધરીનો સીધો વિજય થયો છે.
ખેડા અને પાટણમાં પણ ખુલ્યું ખાતું, ઉજવણી શરૂ
મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ ભાજપે મતદાન વગર જ પોતાનો વિજય વાવટો લહેરાવી દીધો છે.
ખેડા તાલુકા પંચાયતની પરસાતજ બેઠક પર ભાજપના ઉમેદવાર રાયસંગભાઈ ગોહિલ સામે કોઈએ ફોર્મ ન ભરતા તેઓ બિનહરીફ વિજેતા બન્યા છે અને સમર્થકો સાથે ભવ્ય ઉજવણી પણ શરૂ કરી દીધી છે.
બીજી તરફ, પાટણ તાલુકા પંચાયતની ટુવડ સીટ પર પણ ભાજપ સિવાય એકપણ ઉમેદવારે ફોર્મ ન ભરતા ગાયત્રીબેનનો બિનહરીફ વિજય થયો છે.
કચ્છના નખત્રાણામાં 2 સીટો પર કબ્જો
છેવાડાના જિલ્લા કચ્છમાં પણ કંઈક આવો જ નજારો છે. નખત્રાણા નગરપાલિકામાં ભાજપે મતદાન પહેલા જ 2 સીટો કબ્જે કરી લીધી છે. નગરપાલિકાના વોર્ડ નંબર 4 અને 5 માં અન્ય કોઈ પક્ષમાંથી ઉમેદવારી ન નોંધાતા, ભાજપના ઉમેદવાર મનન લુહાર અને મધુબેન સુથારને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા છે. મતદાન પહેલા જ મળેલા આ એકતરફી વિજયથી પક્ષના સ્થાનિક સંગઠનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
