તાપી: મૃતક પિતાની સહાયના રૂપિયા માટે એક ભાઈએ કરી નાખી ભાઈની જ હત્યા. જોકે પોલીસે ભાઈ સહિત કુલ ત્રણ આરોપીની ધરપકડ કરી છે. આ ઘટના તાપીના ડોલવણ તાલુકાની છે. કરંજખેડ ગામમાં રહેતા સાવકા ભાઈ સંપત કોંકણી અને સંદીપ કોંકણીના પિતા આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા હતા. કોરોના કાળમાં પિતાનું મૃત્યુ થતા સહાયની રકમ માટે બંને સાવકા ભાઈ વચ્ચે ઝઘડો ચાલતો હતો.
સંપતના બાળકો બીમાર રહેતા હોવાથી વિધિના નામે સંદીપે તેને પદમડુંગરી ગામના જંગલ વિસ્તારમાં બોલાવ્યો હતો. જ્યાં મિત્રો સાથે મળી સંપતની હત્યા કરી નાખી હતી.
હત્યા માટે સંદીપે તેના મિત્રોને ત્રણ લાખ રૂપિયાની સોંપારી પણ આપી હતી.કુલ ત્રણ આરોપીમાંથી એક આરોપી કિશોર છે.પોલીસે ત્રણેય હથિયારો સાથે દબોચી લીધા છે.
પતિએ છરીના ઘા ઝીંકી પત્નીને મોતને ઘાટ ઉતારી
સુરતના ડિંડોલી વિસ્તારમાં ઘરકંકાસને લઈ પરિવાર વિખેરાઈ ગયો છે. પતિએ પત્નીની કરપીણ હત્યા કરી પોતે આપઘાત કરી લીધો છે. સંતાનમાં બંને દીકરીઓ એક વડોદરા અને બીજી અમદાવાદ અભ્યાસ કરે છે. ઘટનાની જાણકારી મળતા જ બંને દીકરીઓ સુરત આવી પહોંચી હતી. જોકે હાલ પોલીસે પંચનામું કરી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા અને સોનીની મજૂરી કામ સાથે સંકળાયેલા વ્યક્તિએ માનસિક તણાવમાં આ પગલું ભરી લીધું હતું. પહેલા પત્નીને ચપ્પુના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. બાદમાં પોતે પણ હાથની નસ કાપી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
મૂળ મહારાષ્ટ્રના અને સુરતના ડિંડોલી વિસ્તારમાં રહીને સોનીની મજૂરીકામ કરતાં રાજુભાઈ છેલ્લા એકાદ વર્ષથી બિમારીના કારણે ડિપ્રેશનનો ભોગ બની ગયાં હતાં. આ ડિપ્રેશનના કારણે પત્ની સાથે અવારનવાર ઝઘડાઓ થતાં હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે માનસિક તણાવમાં જ રાજુભાઈએ પોતાની પત્નીની હત્યા બાદ પોતે પણ આપઘાત કરી લઈને જીવન ટૂંકાવ્યું હતું.
આ ચકચારી ઘટનાના કારણે પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. ડિંડોલી ખાતે આવેલા કૈલાશ નગરમાં રહેતા બે સંતાનના પિતા છેલ્લા ઘણા સમયથી ડિપ્રેશનમાં રહેતા હતાં. બિમારીના કારણે ડિપ્રેશનમાં રહેતા રાજુભાઈને સંતાનમાં બે દીકરીઓ હતી. મૃતક પત્ની સાયલા બેન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં મહિલા શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા. છેલ્લા ઘણા સમયથી ડિપ્રેશનમાં રહેવાના કારણે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયા બાદ અંતિમ પગલું ભર્યું હોય તેવું પ્રાથમિક તબક્કે સામે આવી રહ્યું છે.