RERA complaint process: ગુજરાતમાં ઘરનું ઘર ખરીદનારા સામાન્ય નાગરિકો માટે એક મોટા રાહતના સમાચાર છે. જો કોઈ બિલ્ડર તમને સમયસર મકાનનો કબજો (Possession) ન આપે અથવા કરાર મુજબ સુવિધા ન આપે તો હવે તમારે ઓફિસોના ધક્કા ખાવાની જરૂર નથી. રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી એટલે કે RERA (Real Estate Regulatory Authority) દ્વારા ગ્રાહકોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. હવે તમે GujRERA ના પોર્ટલ પર ઘરે બેઠા બિલ્ડર વિરુદ્ધ ઓનલાઈન ફરિયાદ (Online Complaint) નોંધાવી શકશો.
ગ્રાહકોને મળશે ઝડપી ન્યાય, બિલ્ડરોની મનમાની અટકશે
નવી ડિજિટલ પ્રક્રિયાને કારણે હવે રિયલ એસ્ટેટ (Real Estate) ક્ષેત્રમાં પારદર્શિતા આવશે. ગ્રાહકો હવે સ્કીમમાં ફેરફાર, પઝેશનમાં વિલંબ કે અન્ય અન્યાય સામે અવાજ ઉઠાવી શકશે. ઓનલાઈન સિસ્ટમ હોવાથી ફરિયાદોનો નિકાલ ઝડપી આવશે અને બિલ્ડરોની મનમાની પર લગામ કસાશે. જોકે, ઓનલાઈન અરજી કર્યાના 7 દિવસની અંદર તમારે તેની ફિઝિકલ કોપી (Hard Copy) RERA કચેરીમાં જમા કરાવવી ફરજિયાત રહેશે.
ફરિયાદના બે પ્રકાર: જાણો તમારે કયું ફોર્મ ભરવું?
નવી SOP (Standard Operating Procedure) મુજબ ફરિયાદોને મુખ્યત્વે બે ભાગમાં વહેંચવામાં આવી છે:
ફોર્મ A: જો તમારી ફરિયાદ મકાનનો કબજો મોડો મળવો, એગ્રીમેન્ટ મુજબ કામ ન થવું કે પૈસા રિફંડ (Refund) મેળવવા બાબતે હોય તો આ ફોર્મ ભરવું.
ફોર્મ B: જો તમે બિલ્ડર પાસેથી માત્ર વળતર (Compensation) નો દાવો કરવા માંગતા હોવ, તો આ ફોર્મનો ઉપયોગ થશે.
ડેશબોર્ડ પર મળશે રિયલ-ટાઈમ અપડેટફરિયાદ દાખલ કરતી વખતે પેમેન્ટ પ્રૂફ અને ઘટનાક્રમ જેવા દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ RERA સેક્રેટરી સ્તરે તેની ચકાસણી થશે. ગ્રાહકો તેમના કેસનું સ્ટેટસ, સુનાવણીની તારીખ, નોટિસ અને ઓર્ડરની વિગતો RERA ડેશબોર્ડ પર ડિજિટલ સ્વરૂપે જોઈ શકશે. પ્રથમ નોટિસ મળ્યા બાદ બંને પક્ષોએ રેગ્યુલર ડેશબોર્ડ ચેક કરતા રહેવું પડશે.
સ્ટેપ બાય સ્ટેપ: કેવી રીતે કરશો ઓનલાઈન ફરિયાદ?
જો તમે પણ છેતરાયા હોવ તો નીચે મુજબના સરળ સ્ટેપ્સ ફોલો કરીને ફરિયાદ નોંધાવો:
Step 1: સૌ પ્રથમ Google પર 'GujRERA' સર્ચ કરો અથવા https://rerawebsite.in/gujarat-rera/ વેબસાઈટ પર જાઓ.
Step 2: હોમપેજ પર દેખાતા 'Complaint Registration' વિકલ્પ પર ક્લિક કરો.
Step 3: એક નવું ટેબ ખુલશે, જેમાં તમારે તમારી વિગતો ભરવાની રહેશે.
Step 4: તમારું ઈમેઈલ આઈડી અને મોબાઈલ નંબર નાખો. 'Type' માં Citizen (નાગરિક), વકીલ કે CA જે લાગુ પડે તે સિલેક્ટ કરો.
Step 5: કેપ્ચા કોડ નાખીને 'Send OTP' પર ક્લિક કરો. તમારા મોબાઈલ/ઈમેઈલ પર આવેલો OTP દાખલ કરો.
Step 6: તમારી વ્યક્તિગત વિગતો ભરીને ફાઈનલ સબમિટ કરો.
Step 7: રજીસ્ટ્રેશન પૂર્ણ થયા બાદ તમે પોર્ટલ પર લોગીન કરીને તમારી ફરિયાદ અને દસ્તાવેજો અપલોડ કરી શકશો.
RERA શું છે?
RERA એટલે કે રિયલ એસ્ટેટ રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ એક્ટ, 2016. આ કાયદો ઘર ખરીદનારાઓના હિતોનું રક્ષણ કરવા અને બિલ્ડરો પર નિયંત્રણ રાખવા માટે બનાવવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર, ગુજરાત, હિમાચલ પ્રદેશ સહિતના રાજ્યોમાં હવે RERA સક્રિયપણે કામ કરી રહ્યું છે.