પાટીદાર અનામત આંદોલન મામલે ઉદ્યોગપતિ કરશન પટેલના નિવેદનથી વિવાદ ઉભો થયો છે. કરશન પટેલના નિવેદનથી ઉભા થયેલા વિવાદમાં હવે વિરમગામથી ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલે પણ નિવેદન આપ્યું છે. કરશન પટેલ પર હાર્દિક પટેલે વ્હોટ્સએપ ગ્રુપમાં જોરદાર પ્રહારો કર્યા હતા. હાર્દિક પટેલે કહ્યું હતું કે કરશનભાઈ જેવા અનેક આગેવાનો છે જે પાટીદારને કડવા-લેઉવામાં વેચે છે. હાર્દિકે પ્રહાર કર્યો હતો કે આવા આગેવાનો સમાજની એકજૂટતા જોઇ શકતા નથી.
હાર્દિક પટેલે કહ્યું હતું કે પાટીદાર અનામત આંદોલનથી સમાજને શું મળ્યું તે કરશનભાઈને ખબર ના હોય. કરશનભાઈ કરોડપતિ છે, આ આંદોલન ગરીબ પાટીદારો પરિવારો માટે હતું. આંદોલનથી ક્ષત્રિય, બ્રાહ્મણ, લુહાણા સમાજને પણ અનામતનો લાભ મળ્યો છે. 50થી વધુ જ્ઞાતિને 1 હજાર કરોડની યુવા સ્વાવલંબન યોજના મળી છે. બિન અનામત આયોગ અને નિગમ પણ મળ્યું છે. આર્થિક રીતે નબળા પાટીદારોને 10 ટકા અનામત મળી છે.
હાર્દિકે કહ્યું હતું કે બિન અનામત આયોગ અને નિગમ મળ્યું તેમજ આર્થિક નબળા પાટીદારોને ૧૦ ટકા અનામત મળ્યું છે. છેલ્લા ૩-૪ વર્ષમાં હજારો યુવાનો આ યોજનાના કારણે મફતમાં ભણી રહ્યા છે અને નોકરીએ લાગી રહ્યા છે.
હાર્દિક પટેલે આરોપ લગાવ્યો હતો કે કરશનભાઈ પટેલ પાટીદાર સમાજને લેઉવા-કડવામાં વહેંચી રહ્યા છે. આવા આગેવાનોને ઓળખવાની જરૂર છે કેમ કે, આવા આગેવાનો સમાજની એકજૂટતા જોઇ શકતા નથી. સમાજ એક થાય તો આવા આગેવાનોનો મોભો દબાઈ જાય છે.
કરશન પટેલ સહિતના ઉદ્યોગપતિઓ સામે લલિત કગથરા પણ લાલઘૂમ થયા હતા. લલિત કગથરાએ પાટીદાર ઉદ્યોગપતિઓને આડે હાથ લીધા હતા. કગથરાએ કહ્યું હતું કે કરશનભાઈ પટેલ સીધા જ કિરીટ પટેલને ટાર્ગેટ બનાવી રહ્યા છે. કરશનભાઈ તમે જેને છોકરી છોકરી કહો છો એ મુખ્યમંત્રી હતા. જો તમે કોથળા ખૂલ્લા ન મૂક્યા હોત તો આજે કેશુભાઈની આ હાલત ન થઈ હોત. જે યુવાનો શહીદ થયા છે તે તમારા માટે નહીં સમાજ માટે શહીદ થયા છે.
નોંધનીય છે કે પાટણમાં યોજાયેલ તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહમાં ઉદ્યોગપતિ કરશન પટેલે પાટીદાર અનામત આંદોલન પર મૌન તોડ્યું હતું. પાટણના ૪૨ લેઉવા પાટીદાર સમાજના હોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરસન પટેલે આંદોલન અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.
કરશન પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે પાટીદાર આંદોલનથી કોઈ નક્કર પરિણામ મળ્યું નથી, પરંતુ આંદોલન કરનારાઓએ માત્ર રાજકીય લાભ ઉઠાવ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે આ આંદોલનના કારણે લેઉવા પાટીદારની દીકરીને મુખ્યમંત્રીનું પદ છોડવું પડ્યું હતું. કરશન પટેલે પ્રશ્ન ઉઠાવ્યો હતો કે શું આંદોલન ખરેખર અનામત માટે હતું કે કોઈને પદ પરથી હટાવવા માટે? તેમણે એમ પણ ભારપૂર્વક કહ્યું કે પટેલો પટેલોને કાઢે તે શક્ય નથી. કરશન પટેલના આ નિવેદનોએ રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી હતી.
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા