Gujarat BJP new ministers: ગાંધીનગર ખાતે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે યોજાયેલી બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે એક મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, "હવે આપણે જ્યારે મળીશું ત્યારે નવા મંત્રીઓ અને નવા અધ્યક્ષ સાથે મળીશું." તેમના આ નિવેદનથી રાજ્ય મંત્રીમંડળના વિસ્તરણ અને સંગઠનમાં ફેરફારના સ્પષ્ટ સંકેતો મળ્યા છે.

પાટીલે ધારાસભ્યો અને સાંસદોને સંબોધતા કહ્યું કે, જેનો નંબર લાગશે તે નસીબદાર હશે. તેમણે ઉમેર્યું કે, જેને સ્થાન મળશે તે ખુશ થશે અને અમે પણ ખુશ થઈશું કે નવા લોકોને તક મળી રહી છે. તેમણે મંત્રીમંડળ વિસ્તરણ અંગે વાતવાતમાં સંકેત આપતા જણાવ્યું કે, ટૂંક સમયમાં સારા સમાચાર આવશે.

આ ઉપરાંત, તેમણે નવા પ્રદેશ અધ્યક્ષ અંગે પણ વાત કરી અને કહ્યું કે આ માટેની પ્રક્રિયા ચાલી રહી છે. તેમણે નવા પદાધિકારીઓને સલાહ આપતા કહ્યું કે, "જેમને જવાબદારી મળે તે શાંતિથી અને સંભાળીને કામ કરે." આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ગુજરાત ભાજપમાં ટૂંક સમયમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે.

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનો કાર્યકાળ પૂરો થતા રાજ્યમાં નવા પ્રમુખની નિમણૂક અંગેની ચર્ચાઓએ જોર પકડ્યું છે. પાટીલે ૨૦ જુલાઈ, ૨૦૨૦ના રોજ પ્રદેશ પ્રમુખ તરીકેનો પદભાર સંભાળ્યો હતો અને તાજેતરમાં તેમને પાંચ વર્ષ પૂર્ણ થયા છે.

પાટીલના નેતૃત્વ હેઠળ ભાજપે ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણીમાં ૧૮૨માંથી ૧૫૬ બેઠકો જીતીને એક નવો ઇતિહાસ રચ્યો હતો. જોકે, ભાજપ આટલી મોટી જીત મેળવવા છતાં વિસાવદર વિધાનસભા બેઠક જીતી શક્યું નહોતું.

આજે ગાંધીનગરના કમલમ ખાતે યોજાયેલી બેઠકમાં શ્રી પાટીલે પોતે સંકેત આપ્યો હતો કે ટૂંક સમયમાં નવા પ્રદેશ પ્રમુખ અને નવા મંત્રીઓ મળશે. તેમના આ નિવેદનથી ગુજરાત ભાજપના સંગઠનમાં અને મંત્રીમંડળમાં મોટા ફેરફારોની શક્યતા પ્રબળ બની છે.

અત્યાર સુધીના પ્રદેશ પ્રમુખોની યાદી:

  • એ. કે. પટેલ: ૧૯૮૨ – ૧૯૮૫
  • કાશીરામ રાણા: ૧૯૯૩ – ૧૯૯૬
  • વજુભાઈ વાળા: ૧૯૯૬ – ૧૯૯૮ અને ૨૦૦૫ – ૨૦૦૬
  • રાજેન્દ્રસિંહ રાણા: ૧૯૯૮ – ૨૦૦૫
  • પરષોત્તમ રૂપાલા: ૨૦૦૬ – ૨૦૧૦
  • આર. સી. ફળદુ: ૨૦૧૦ – ૨૦૧૬
  • વિજય રૂપાણી: ૨૦૧૬
  • જીતુ વાઘાણી: ૨૦૧૬ – ૨૦૨૦
  • સી.આર. પાટીલ: ૨૦૨૦ – હાલ સુધી