ભાવનગરઃ ભાવનગર જિલ્લામાં બનેલી એક ગમખ્વાર ઘટનામાં દર્શનાર્તીઓ પર કાર ફરી વળતાં બે બાળકોનાં મોત નિપજ્યાં છે. સિહોરના ટાણા ગામે અકસ્માતમાં બે માસૂમનાં મોત થતાં લોકોમાં દુઃખનું મોજું ફરી વળ્યું છે. અકસ્માત કરીને ભાગી રહહેલા કારચાલકને લોકોએ પીછો કરીને ઝડપી લીધો હતો.
આજે શીતળા સાતમ હોવાથી ટાણા ગામે સાતમના પર્વ નિમિત્તે દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં મંદિરે દર્શ કરવા ઉમટ્યાં હતાં. આ દર્શનાર્થીઓ પર બેફમા કાર ચલાવનારની કાર ફરી વળી હતી. તેના કારણે બે માસૂમનાં મોત નિપજ્યાં હતાં અને લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. આ ઘટનામાં તૃપ્તિબેન હસમુખભાઈ બારૈયા (ઉ.વ. 10) તથા દિવ્યેશ વિજયભાઈ બારૈયા (ઉ.વ 5)નાં મોત નિપજ્યાં હતાં. આ ઉપરાંત એકતાબેન (ઉ.વ. 17) તથા લલિતાબેન ઉ.વ. 32) સહિત ચાર દર્શનાર્થીઓ ઇજાગ્રસ્ત થયાં હતાં.
અજાણ્યા ફોરવ્હીલ ચાલકે દર્શનાર્થીઓને અડફેટે લઇ અકસ્માત સર્જજ્યા પછી ફરાર થઈ ગયો હતો. દર્શનાર્થીઓને ઈજા પહોંચાડી ફરાર કારચાલકને લોકોએ પીછો કરીને ઝડપી લીધો હતો. આ ઘટનાના ઇજાગસ્તોને સિહોર સરકારી દવાખાને લવાયા છે. આ દુર્ઘટનાના કારણે શીતળા સાતમનો તહેવાર માતમમાં ફેરવાયો છે.