Discrimination against Dalits in temples: વાવ તાલુકાના કલ્યાણપુરા ગામે શિવ મંદિર અને અન્ય ત્રણ મંદિરોના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં દલિત સમાજને અવગણવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. 8 થી 10 ફેબ્રુઆરી દરમિયાન યોજાયેલા આ મહોત્સવમાં અનુસૂચિત જાતિના લોકોનો ફાળો લેવામાં આવ્યો નહીં. એટલું જ નહીં, ગામના સરપંચ, જે અનુસૂચિત જાતિના છે, તેમનો ફાળો પણ નકારવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

Continues below advertisement

જણાવવામાં આવી રહ્યું છે કે, 16 જાન્યુઆરીના રોજ, ગાંધીનગરથી ઈન્દ્રજિતસિંહ સોઢાને આ ભેદભાવ વિશે જાણ થતાં, તેઓ તરત જ કલ્યાણપુરા ગામે પહોંચ્યા હતા. તેમણે મંદિરના મુખ્ય સંચાલક સાથે વાતચીત કરી, જેના પગલે સંચાલકે મંદિર કમિટીને પૂછ્યા પછી જવાબ આપવાની ખાતરી આપી હતી. ત્યારબાદ, અનુસૂચિત સમાજના વડીલો સાથે પણ આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.

પરંતુ જ્યારે કોઈ સંતોષકારક જવાબ મળ્યો નહીં, ત્યારે હિંદુ યુવા સંગઠન-ભારત દ્વારા 5 અને 6 ફેબ્રુઆરીના રોજ પ્રાંત અધિકારી અને મામલતદારને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચર્ચા દરમિયાન મંજૂરી નહીં મળે તેવી બાબતનો સંકેત આપવામાં આવ્યો હતો. આ પછી પણ કોઈ પરિણામ ન આવતા, 4 ફેબ્રુઆરીના રોજ સુઈગામ પીએસઆઈએ આયોજકો સાથે વાતચીત કરી, પરંતુ પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થયો નહીં.

Continues below advertisement

નિરાશ થઈને, 7 ફેબ્રુઆરીના રોજ DYSPને સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી હતી. DYSPએ સમાધાન કરાવવાના ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ દલિત સમાજનો ફાળો સ્વીકારવામાં આવ્યો નહીં. અંતે, 9 ફેબ્રુઆરીના રોજ ઈન્દ્રવદન બારોટે મુખ્યમંત્રીને પત્ર લખીને ઈમેઈલ દ્વારા મોકલ્યો હતો. આ પત્રની નકલ સામાજિક ન્યાય મંત્રી, રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ, જિલ્લા પોલીસ વડા, કલેક્ટર, ડીવાયએસપી, મામલતદાર અને સ્થાનિક મીડિયાને પણ મોકલવામાં આવી હતી.

આટલા પ્રયાસો છતાં, 18 ફેબ્રુઆરીના રોજ પ્રતિષ્ઠા મહોત્સવ દલિત સમાજના ફાળા વગર જ પૂર્ણ થયો હતો. સમગ્ર દલિત સમાજે શાંતિ જાળવી રાખી હતી, પરંતુ આ ભેદભાવ સામે ન્યાય માટે લડત ચાલુ રાખવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

આ ઘટના અંગે દલિત આગેવાન અશ્વિનભાઈ સક્સેનાએ દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, "દરેક લોકોને સાથે મળીને ચાલવું જોઈએ. જે ઘટના સામે આવી છે તેમાં ક્યાંક અમુક વ્યક્તિઓની માનસિકતાના કારણે આવી ઘટનાઓ સામે આવતી હોય છે. જોકે બધા સમાજના બધા લોકો ખરાબ નથી હોતા, પરંતુ અમુક વ્યક્તિઓના કારણે આવું બનતું હોય છે. આ બાબતે અમુક લોકોની માનસિકતાના કારણે હિન્દુ સમાજને તોડવાનું કામ થઈ રહ્યું છે, જે ન થવું જોઈએ અને આવી બનતી ઘટનાઓ રોકવી જોઈએ."

આ પણ વાંચો....

ગુજરાત સરકારની ગરીબો માટે ભેટ: જી-સફલ યોજનાથી 50 હજાર અંત્યોદય પરિવારોનું થશે કલ્યાણ