PCIના અધ્યક્ષ મોન્ટુ પટેલ પર 4 હજાર કરોડથી વધુના મહાકૌભાંડનો આરોપ છે. ભાજપ યુવા મોરચાનો યુથ ડેવલપ સેલનો સ્ટેટ ઈન્ચાર્જ મહાકૌભાંડી હોવાનો આરોપ લાગ્યો છે. મોન્ટુ પટેલ પર રૂપિયા વસૂલી ફાર્મસી કોલેજોને માન્યતા આપવાનો પણ આરોપ લાગ્યો હતો. મહાકૌભાંડી મોન્ટુના અમદાવાદ, દિલ્લી સહિતના નિવાસસ્થાને CBIએ દરોડા પાડ્યા હતા. અમદાવાદના ઝૂંડાલ વિસ્તારમાં મોન્ટુ પટેલનો આલીશાન બંગલો આવેલો છે. સીબીઆઇએ આ બંગલામાં દરોડા પાડ્યા હતા. તે સિવાય દિલ્હીની ઓફિસ અને નિવાસસ્થાને પણ સીબીઆઇની ટીમે કાર્યવાહી શરૂ કરી હતી. મોન્ટુ પટેલ પર નકલી ઈન્વર્ડ નંબર, બેકડેટ એન્ટ્રીઝ, ફાઈલોમાં હેરાફેરીનો આરોપ લાગ્યો છે. મોન્ટુ પટેલ પર પોતાના સાગરિતોને મોટા પદ પર બેસાડવાનો પણ આરોપ લાગ્યો છે.
મહાકૌભાંડી મોન્ટુ પટેલ પર ફાર્મસી હિત સમિતિના પ્રમુખે ગંભીર આરોપ લગાવ્યા હતા. ફાર્મસી હિત રક્ષક સમિતિના પ્રમુખ રાજેશ પટેલે કહ્યું હતું કે CBIએ દરોડા પાડવામાં વિલંબ કર્યો છે. મહાકૌભાંડીએ મોટાભાગની રકમ અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી હતી. મહાકૌભાંડી મોન્ટુ પટેલના સભ્યપદ પર પણ રાજેશ પટેલે સવાલ ઉઠાવ્યા હતા. તે સિવાય મેડિકલ સેલના ઉપાધ્યક્ષ ડૉ. ગોપાલભાઈ ભૂતડાએ આક્ષેપ કર્યા હતા કે મહાકૌભાંડી મોન્ટુ પટેલ રૂપિયા વસૂલી ફાર્મસી કોલેજોને માન્યતા આપતો હતો. ડૉ. મોન્ટુ પટેલ અને મળતિયાઓએ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો છે. મોન્ટુ પટેલના કૌભાંડ અંગે PM સહિતનાને મે ફરિયાદ કરી હતી. કોઈ પણ ચકાસણી વગર રૂપિયા આપતા જ કોલેજોને મંજૂરી આપવામાં આવતી હતી. મોન્ટુ પટેલની આખી બોડીને સસ્પેન્ડ કરવામાં આવે. નિવૃત ન્યાયધીશની તપાસ કમિટી રચી કૌભાંડની તપાસ કરાવવામાં આવે તેવી તેમણે માંગ કરી હતી.
કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ કહ્યું હતું કે દેશમાં ફાર્મસી કોલેજોને મંજૂરીની સત્તા PCI પાસે છે. PCIના અધ્યક્ષ પર જ કૌભાંડના આરોપ લાગ્યા છે. ભાજપ રાજમાં શિક્ષણનો વેપલો થવા લાગ્યો છે. સરકાર આવા મહાકૌભાંડી સામે ક્યારે કાર્યવાહી કરશે. એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે મોન્ટુ પટેલે 12000 જેટલી ફાર્મસી કોલેજોના રિન્યુઅલ માટે લાંચ લીધી છે. કોલેજમાં બેઠકો વધારવાથી લઈને ઘટાડવા સુધી તેણે લાખોની લાંચ લીધી હોવાનો તેના પર આરોપ છે. મોન્ટુ પટેલે 2022-23ના વર્ષમાં 5 હજાર કરોડથી વધુનો ભ્રષ્ટાચાર કર્યો હતો. ડિગ્રી કોલેજને રિન્યૂ કરવા માટે મોન્ટુ પટેલ 10 લાખ અને ડિપ્લોમાં કોલેજને રિન્યૂ કરવા માટે 7 લાખ રૂપિયાની લાંચ લેતો હતો તેવો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.