ગાંધીનગર: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદને પગલે સર્જાયેલી સ્થિતિની સમીક્ષા ગાંધીનગરથી સ્ટેટ  ઇમરજન્સી ઓપરેશન સેન્ટર  પહોંચીને કરી હતી. જૂનાગઢમાં ભારે વરસાદથી સર્જાયેલી સ્થિતિને પગલે મુખ્યમંત્રી રાજકોટનો  તેમનો પ્રવાસ ટુંકાવી હવાઈ માર્ગે અમદાવાદ પહોંચ્યા હતા અને  ત્યાંથી વરસતા વરસાદમાં સીધા જ  ગાંધીનગર સ્ટેટ કન્ટ્રોલ રૂમ  આવ્યા હતા. મુખ્યંત્રીએ જૂનાગઢ જિલ્લા કલેકટર સાથે વિડિયો કોન્ફરન્સ કરીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. જૂનાગઢ શહેરમાં જ્યાં વધુ પાણી ભરાયાં છે ત્યાંના લોકોને સલામત સ્થળે ખસેડવા માટેના પ્રબંધ અંગે તેમજ પાણી ગ્રસ્ત વિસ્તારોમાં ફૂડ પેકેટ્સ વગેરે પહોચાડવ ની વ્યવસ્થા અંગે તેમણે જાણકારી મુખ્યમંત્રીએ મેળવી હતી.


 






જ્યાં વધુ પાણી ભરાયાં છે તેવા વિસ્તારમાંથી તાત્કાલિક પાણી ખાલી કરવા માટે રાજકોટ સહિત નજીકના શહેરોમાંથી ડી-વોટરિગ પંપ મોકલવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ગિરનાર પર્વત પરથી વધુ વરસાદના કારણે  જૂનાગઢ શહેરમાં કાળવા ચોક અને તેની આજુબાજુના વિસ્તારની સોસાયટીઓમાંથી જે લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા છે તેમના માટે ફૂડ પેકેટ સહિત જરૂરી વ્યવસ્થા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે.છેલ્લા કેટલાક કલાકોથી શહેરમાં વરસાદ બંધ હોવાથી પાણીનું સ્તર ઘટી રહ્યું છે એટલે હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં આવી રહી છે. 


 



મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જૂનાગઢ સહિત ભારે વરસાદવાળા જિલ્લાઓમાં જરૂરી તમામ મદદની  વહીવટી તંત્રને ખાતરી આપી હતી. જૂનાગઢ કલેક્ટરે મુખ્યમંત્રીને વિગતો આપતાં કહ્યું હતું કે, જૂનાગઢમાં 10 ઇંચથી વધુ વરસાદ થવાને કારણે શહેરમાં પાણી ભરાયા છે. જેના કારણે તાત્કાલિક  ધોરણે 200 જેટલા લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે જ્યારે અગાઉથી અંદાજે 750 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. વધુ પાણી ભરાયા હોય તેવા વિસ્તારમાં વિતરણ માટે અંદાજે 20,000 ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે. શહેરમાં અત્યારે પાણીની પરિસ્થિતિ નિયંત્રણમાં છે પણ જો રાત્રે વધુ વરસાદ આવે તો તેને પહોંચી વળવા જિલ્લા વહીવટી તંત્ર સતર્ક છે. શહેરના 80 ટકા વિસ્તારોમાં વીજળી શરૂ થઈ ગઈ છે જ્યારે બાકીના વિસ્તારમાં બનતી ત્વરાએ વીજળી ચાલુ કરવામાં ટીમો સતત કાર્યરત છે.


આ  સમીક્ષા બેઠકમાં  મુખ્ય સચિવ રાજકુમાર, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ કુમાર દાસ, જિલ્લા પ્રભારી સચિવ મનીષ ભારદ્વાજ તેમજ રાહત કમિશનર આલોક પાંડે જોડાયા હતા, જૂનાગઢ કલેકટર અનિલ રાણા વસિયા તેમજ  કમિશનર રાજેશ તન્ના  પોલીસ અધિક્ષક તેજા એ સ્થાનિક તંત્રએ કરેલી તત્કાલ અને સમયસરની  કામગીરીની માહિતી આપી હતી.


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial