ગાંધીનગર:  ઉત્તર ગુજરાતના બે તાલુકાના ખેડૂતોના હિતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોટો નિર્ણય લીધો છે.  સતલાસણા અને ખેરાલુ તાલુકાના 53 ગામના તળાવો, ચેકડેમ ધરોઈ યોજનાના પાણીથી ભરવામાં આવશે.   જેનાથી અંદાજે 5 હજાર 808 હેક્ટર જમીનમાં ખેતી કરતા ખેડૂતોને સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ થશે.  317 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચ સાથે 118 કિલોમીટર લંબાઈની પાઇપલાઈન તળાવો -ચેકડેમ ભરવા માટે નાખવામાં આવશે.  જેમાં સતલાસણા અને ખેરાલુ તાલુકાના 37 ગામનો સમાવેશ કમાન્ડ એરિયામાં થઈ શક્યો નથી.  


જેના ખેડૂતો મુખ્યત્વે પશુપાલન અને ખેતી આધારિત રોજગારી મેળવે છે.  એટલું જ નહીં વરસાદની અનિયમિતતાના કારણે ભૂગર્ભ જળસ્તર પણ ઊંડા ઊતરી ગયા છે.  ત્યારે નવીન પાઈપલાઈન નાખીને ખેરાલુ તથા સતલાસણા તાલુકાના તળાવો ભરીને ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવાનું આયોજન કરાયું છે.  આ તળાવો ધરોઈ બંધના પાણીથી તબક્કાવાર ભરવા માટે કુલ 400 એમ.સી.એફ.ટી. પાણીનો જથ્થો જળાશયમાંથી લેવામાં આવશે. 


Banaskantha: જીવતા વ્યક્તિના નામે પાસ કરાવાયો 2 લાખ રૂપિયાનો વીમો, બેન્કમાંથી ટપાલ મૃતકના નામે તેના ઘરે પહોંચી ને........


Banaskantha: બનાસકાંઠામાં બે લાખનો નકલી ઇન્શ્યૉરન્સ પાસ કરાવવાની ઘટના સામે આવી છે. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કસરા ગામે એક અભણ વ્યક્તિના ખોટા ડૉક્યૂમેન્ટ બનાવી તેને મૃત બતાવીને તેના નામે 2,00,000 રૂપિયાનો ઇન્સ્યોરન્સ પાસ કરાવીને પૈસા ચાઉં કરી ગયા હોવાની ઘટના ઘટી છે. જેમાં ફરિયાદી રમેશજી ઠાકોરે ફરિયાદ નોંધાવતા શિહોરી પોલીસે એક આરોપીની અટકાયત કરી, આ કેસ અંગે આગળની તપાસ હાથ ધરી છે. 


માહિતી પ્રમાણે, બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના કસરા ગામે રહેતા રમેશજી ઠાકોર પોતે અભણ હોવાથી મજૂરી કામ કરી પોતાનુ ગુજરાત ચલાવે છે. એક વર્ષ અગાઉ તેઓ દેવપુરા ગામના જયંતિ ઠાકોર નામના વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા અને તે સમયે જયંતિ ઠાકોરે પાટણના રહેવાસી કરણસિંહ રબારી સાથે મળી રમેશજી ઠાકોરનું થરા ખાતે આવેલી બેન્ક ઓફ બરોડાની શાખામાં ખાતુ ખોલાવ્યું હતું. બેંકમાં ખાતું ખોલાવવા માટે પણ પૈસા જયતિજી ઠાકોરે આપ્યા હતા, તેમજ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના અંતર્ગત વીમો પણ લેવડાવ્યો હતો, અને વારસદાર તરીકે તેમના મોટાભાઈનું નામ લખાવ્યું હતું. બાદમાં અઠવાડિયા અગાઉ બેંકમાંથી એક ટપાલ આવી હતી જેમાં રમેશજી ઠાકોરનું મોત થતાં બે લાખ રૂપિયાની રકમ ચૂકવાઇ હોવાનું જાણવા મળતા તેઓ ડઘાઈ ગયા હતા. આ પછી સમગ્ર મામલે રમેશજી ઠાકોરે તપાસ કરતા જયંતિ ઠાકોરે રમેશજી ઠાકોરનું ઇન્ડિયા ફર્સ્ટ લાઈફ ઇન્સ્યોરન્સમાંથી વીમો લઈ રમેશજીના મૃત્યુના ખોટા સર્ટીફીકેટો બનાવી 2 લાખ રૂપિયાનો ઇન્સ્યોરન્સ પાસ કરાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું, જેથી રમેશજી ઠાકોરે સિહોરી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી..


આ ઘટનામાં ફરિયાદના આધારે શિહોરી પોલીસે તાત્કાલિક ધોરણે તપાસ શરૂ કરી હતી અને ગણતરીના દિવસોમાં જ ખોટા ડૉક્યૂમેન્ટ બનાવીને રમેશજી ઠાકોર અને બેન્ક સાથે છેતરપિંડી આચરનાર જંયતિ ઠાકોરની અટકાયત કરી અન્ય આરોપીની શોધખોળ હાથ ધરી છે.