ગાંધીનગર :  અમદાવાદ અને ગાંધીનગર વિઝા કૌભાંડને લઈને CID ક્રાઇમ દ્વારા વિગતો આપવામાં આવી છે.  સમગ્ર વિઝા રેકેટમાં ચોકવાનારી માહિતી સામે આવી છે.  તપાસમાં એજન્ટોની જુદી જુદી મોડ્સ ઓપરેન્ડી સામે આવી  છે.  નકલી માર્કશીટ ,સર્ટિફિકેટ ,બેંકની ખોટી એન્ટ્રી તેમજ ખોટી નોકરી આપવાની લાલચએ વિદેશ મોકલતા હોવાનું તપાસમાં ખૂલ્યું છે.  વિઝા કન્સલ્ટન્સીની ઓફિસમાંથી મળી આવેલા ડોક્યુમેન્ટ બનાવટી નીકળ્યા છે. 


આઉટ સોર્સ ઇન્ડિયા નામની ઓફિસ ખોલી ગેરકાયદેસર વિઝા પ્રોસેસ કરનારા દીપક પટેલ અને સ્નેહલ પટેલની ધરપકડ કરવામાં આવી છે.  પકડાયેલ બન્ને આરોપીઓ નીરવ મેહતા અને અનિલ મિશ્રા બને દિલ્હીના અમરેન્દ્ર પૂરી પાસેથી બનાવટી સર્ટિફિકેટ બનાવતા હતા. CID ક્રાઇમએ અત્યાર સુધી કુલ પાંચ ફરિયાદ નોંધી છે.  અલગ-અલગ કેસમાં ચાર આરોપીની ધરપકડ કરાઈ છે.  આ રેકેટ માં મુખ્ય સૂત્રધાર એવા એજન્ટોને પકડવા CID ક્રાઇમે કાર્યવાહી કરી છે.  


ખોટા દસ્તાવેજો બનાવતા


યુએસએ, યુકે, કેનેડા જેવા દેશમાં વર્કશોપ પરમીટ સ્ટુડન્ટ વિઝા જુદા જુદા પ્રમાણપત્રોમાં છેડછાડ કરી ખોટા દસ્તાવેજો બનાવી તૈયાર આપવાની કામગીરી કરતા હતા. સ્ટુડન્ટ્સના 8 ઝેરોક્ષ સેટ, પાસપોર્ટ અને ફાઈલ માર્કશીટ પ્રમોશનલ લેટર, SBI બેન્કના લોન સેન્કશન લેટર પણ મળી આવ્યો હતો. એક્સપિરિયન્સ લેટર અને લોનના લેટર ખરાઈ કરતાં બનાવટી હોવાનું સામે આવ્યું છે.  


વિઝા કન્સલન્ટસીઓ પર દરોડા


સીઆઈડી ક્રાઈમ અને ગુજરાત પોલીસ દ્વારા હાલમાં રાજ્યમાં નકલી ઈમિગ્રેશન એજન્ટો અને ગેરકાયદેસર માઈગ્રેશનનું કામ કરતાં એજન્ટો પર તવાઈ ચાલી રહી છે. જેમાં સીઆઈડી ક્રાઈમ દ્વારા રાજ્યમાં વિવિધ 17 વિઝા કન્સલન્ટસીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં નકલી પાસપોર્ટ ઉપરાંત અન્ય નકલી દસ્તાવેજો અને માર્કશીટ્સ મળી આવ્યા હતા.  


રાજ્યમાં વિદેશ જવાનો જે ક્રેઝ છે તેનો લાભ લેભાગુ અને બોગસ એજન્ટો પર ઉઠાવી રહ્યા છે. ગુજરાતમાં આવા એજન્ટોની સંખ્યા પણ વધી છે. લોકો ગેરકાયદેસર વિદેશ જવા માટે લાખો રૂપિયા આપવા માટે તૈયાર છે તેવામાં ઘણા લોકો સાથે છેતરપિંડી થઈ હોવાની ફરિયાદો પણ સામે આવતી હોય છે. આ ઉપરાંત કાયદેસર રીતે વિદેશ જવા ઈચ્છતા લોકો પણ ક્યારેક આવા એજન્ટોના હાથે ચડી જતાં હોય છે અને ઠગાઈનો ભોગ બનતા હોય છે.