Gujarat Cabinet Expansion 2025 :  ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારે શુક્રવારે (17 ઓક્ટોબર) સત્તાવાર રીતે મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું હતું. ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રીમંડળમાં મુખ્યમંત્રી સહિત 26 ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. સૌથી પહેલા મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવીએ નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. ભૂપેન્દ્ર પટેલના નવા મંત્રી મંડળમાં હર્ષ સંઘવીને પ્રમોશન આપી નાયબ મુખ્યમંત્રી બનાવાયા છે.   

Continues below advertisement

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક્સ પર પોસ્ટ કરતા કહ્યું,  ભારતીય જનતા પાર્ટીના મારા યુવા સાથી  હર્ષભાઈ સંઘવીને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા બદલ તેમજ રાજ્ય મંત્રીમંડળમાં કેબિનેટ મંત્રી તથા રાજ્યમંત્રી તરીકે શપથ લેનાર સૌ સાથી મંત્રીઓને હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવું છું.  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં આપણે ‘વિકસિત ભારત - વિકસિત ગુજરાત’ના નિર્માણ માટે અવિરત પુરુષાર્થ કરી રહ્યા છીએ, ત્યારે આ વિકાસયજ્ઞને આપણે નવી ઊર્જા સાથે વધુ તેજ ગતિએ આગળ વધારીશું. 

Continues below advertisement

આપણી પ્રાચીન વિરાસતને તેમજ ભારતીય સંસ્કૃતિના ઉચ્ચ માનવીય મૂલ્યોને જાળવીને ગુજરાતને વિકાસના પંથે સદૈવ અગ્રેસર રાખીશું. તેમજ, રાજ્યના પ્રત્યેક નાગરિકની સુખાકારી સુનિશ્ચિત કરવામાં આપણે પુરુષાર્થની પરાકાષ્ઠા કરીશું.  

વર્ષ 2035 માં ગુજરાતની સ્થાપનાના 75 વર્ષ થાય ત્યાં સુધીના ભવિષ્યલક્ષી વિકાસનો રોડમેપ પણ આપણી સામે છે, ત્યારે આપણે સૌ સાથે મળીને જન-જનના કલ્યાણને હૃદયે રાખીને ગુજરાતને વિકાસના નવા શિખરે લઈ જઈશું તેવો મને વિશ્વાસ છે.

હર્ષ સંઘવીની રાજકીય સફર

સુરતના મજૂરાથી ધારાસભ્ય હર્ષ સંઘવી રાજ્યના સૌથી નાની વયના નાયબ મુખ્યમંત્રી હશે.  છેલ્લી 3 ટર્મથી સુરતની મજૂરા બેઠકથી તેઓ ધારાસભ્ય છે. ભાજપના યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે પણ કામગીરી કરી ચૂક્યા છે. આ ઉપરાંત ગૃહ વિભાગના રાજ્યકક્ષાના પ્રધાન તરીકે પણ પદ સંભાળ્યું છે. 

હર્ષ સંઘવી  આ ઉપરાંત રમત ગમત, વાહન વ્યવહાર સહિતના ખાતાને સંભાળ્યા છે. હર્ષ સંઘવી 2008માં યુવા મોરચાના પ્રદેશ મહામંત્રી રહ્યા હતા. તેમજ 2011માં યુવા મોરચાના પ્રદેશ ઉપપ્રમુખની જવાબદારી નિભાવી હતી. 2013માં રાષ્ટ્રીય યુવા મોરચાના મહામંત્રી બન્યા હતા.  2014માં યુવા મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રહ્યા અને 2012માં માત્ર 27 વર્ષની ઉંમરે મજૂરાથી ધારાસભ્ય બન્યા હતા. તેમજ સતત 3 ટર્મથી જંગી બહુમતી સાથે જીતતા રહ્યાં છે. 

નવી સરકારમાં OBCનો દબદબો

ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં OBCનો દબદબો, સૌથી વધુ OBC નેતાઓ મંત્રીપદના લેશે શપથ, 6 પાટીદાર અને 4 આદિવાસી નેતાઓનો મંત્રાલયમાં સમાવેશ, 1 ક્ષત્રિય અને 1  બ્રાહ્મણ નેતાનો સમાવેશ, 3 મહિલાઓનો પણ મંત્રીમંડળમાં કરાયો સમાવેશ, અનુસુચિત જાતિમાંથી પણ 3 નેતાઓની પસંદગી કરવામાં આવી છે.