Chandipura Virus: છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો ફેલાવો સતત થઇ રહ્યો છે, અને મોતનો આંકડો પણ સતત વધી રહ્યો છે. રાજ્યમાં સતત વધી રહેલા ચાંદીપુરા વાયરસને લઇને હવે સરકાર ફૂલ એક્શન મૉડમાં આવી છે, ચાંદીપુરા વાયરસથી એક પછી એક મોત થઇ રહ્યાં છે, હાલમાં આ મોતનો આંકડો 15 સુધી પહોંચ્યો છે અને આગામી દિવસોમાં વધી શકે છે. જેને લઇને આજે સરકાર એક મહત્વની બેઠક કરવાની છે, આજે બપોરે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં વીડિયો કૉન્ફરન્સ યોજાશે, જેમાં ફેલાઇ રહેલા વાયરસને અટકાવવા અને સુવિધાના પગલા વિશે ચર્ચા કરાશે. 


સરકારે ચાંદીપુરા વાયરસને લઇને આજે બેઠક યોજાશે, આજે બપોરે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં વીડિયો કૉન્ફરન્સ યોજાશે, જેમાં રાજ્યમાં વધતા ચાંદીપુરા વાયરસ અંગે સમીક્ષા કરાશે. બપોરે 3.30થી આ સમીક્ષા બેઠક શરૂ થશે જેમાં રાજ્યના આરોગ્ય કમીશનર અને આરોગ્ય વિભાગના અધિકારીઓ જોડાશે. જિલ્લાના આરોગ્ય અધિકારીઓ અને સિવિલ સુપ્રિટેન્ડેન્ટ પણ આ બેઠકમાં જોડાશે. આમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને અધિકારીઓ ચાંદીપુરા વાયરસને રાજ્યમાં ફેલાતો અટકાવવા અંગે ચર્ચા અને સમીક્ષા કરશે. હાલમાં રાજ્યામાં ઉપસ્થિત થયેલા કેસ, દર્દીની સારવાર અને સેમ્પલ અંગે પણ ચર્ચા કરાશે. આ ઉપરાંત સારવાર માટેની વ્યવસ્થા અને દવાના જથ્થા અંગે પણ બેઠકમાં સમીક્ષા કરાશે.


ચાંદીપુરા અંગે તજજ્ઞોના જણાવ્યા અનુસાર આ વાયરસથી સંક્રમિત બાળકોના મગજમાં સોજા સહિત અન્ય ઘણા લક્ષણો જોવા મળી રહ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા વાયરસથી સંક્રમિત બાળકોના પરિવારના સભ્યોના સેમ્પલ પણ લેવામાં આવી રહ્યા છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં કુલ 6 દર્દીઓ દાખલ થયા હતા. અરવલ્લી જિલ્લાના મેઘરજ અને ભિલોડા તાલુકાના અંદાજે ત્રીસથી વધારે ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સ કામગીરી પુરજોશમાં ચાલુ છે.


ચાંદીપુરા વાયરસ અંગે - 
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ 8 મૃત્યું નોંધાયા છે. આ મોતમાં સેમ્પલના પરિણામ આવ્યા બાદ જ ચાંદીપુરા રોગના આ કેસ હતા કે નહીં તેની પૃષ્ટિ થશે, ચાંદીપુરા રોગ ચેપી નથી પરંતુ અસરગ્રસ્ત વિસ્તારોમાં સઘન સર્વેલન્સની પ્રાથમિક તબક્કે જ સૂચના અપાઇ હતી. જેના પરિણામે અત્યારસુધીમાં કુલ 4487 ઘરોમાં કુલ 18646 વ્યક્તિઓનું સ્ક્રીનીંગ કરાયું છે.સેન્ડફ્લાય કંટ્રોલ માટે કુલ 2093 ઘરોમાં જંતુનાશક દવાઓનો છંટકાવ પણ કરાયો છે.


ચાંદીપુરા વાયરસના લક્ષણો
ચાંદીપુરા વાયરસના કેસોમાં દર્દીને તાવ આવે છે, ઉલટી થાય, શ્વાસમાં તકલીફ પડે, મગજનો તાવ આવે જેવા લક્ષણો જોવા મળે છે. આ રોગના મહત્તમ લક્ષણો અન્ય વાયરસ જેવા જ હોય છે. જેથી પ્રાથમિક તબક્કે રોગની ઓળખ કરવામાં મુશ્કેલી પડે એમ છે. જોકે ચાંદીપુરા વાયરસ મોટાભાગે 10 વર્ષની નીચેના બાળકોમાં જ જોવા મળે છે. આ વાયરસ ખૂબ જ જીવલેણ છે, જેથી તેનો ભોગ બનેલાને જલદીથી ટ્રીટમેન્ટ મળવી જરૂરી છે. દર્દીઓમાં એન્સેફાલીટીસના લક્ષણો પણ દેખાવા લાગે છે, જેનાથી દર્દી કોમામાં પણ જઇ શકે છે.


ચાંદીપુરા વાયરસ ચેપની સારવાર - 
- ચાંદીપુરા વાયરસ માટે અત્યારે કોઈ ખાસ સારવાર નથી.
- જો કે, આ વાયરસ ખતરનાક છે અને તેના લક્ષણો એન્સેફાલીટીસ (મગજના તાવ) જેવા જ હોવાથી દર્દીએ જેટલી જલ્દી થાય તેટલી જલ્દીની ડોક્ટર સાથે મુલાકાત લેવી જોઈએ. 
- ચાંદીપુરા વાયરસથી બચવા માટે મચ્છર અને માખીઓથી બચવું અને તંદુરસ્ત ખોરાક લેવો મહત્વપૂર્ણ છે.
- ચોમાસામાં ખુલ્લામાં ઉપલબ્ધ ખોરાક પર માખીઓ બેસી જાય છે, જેના કારણે આ ખાદ્ય પદાર્થો તમને આ જીવલેણ રોગનો શિકાર પણ બનાવી શકે છે.
- આ વાયરસથી પોતાને બચાવવા માટે સ્વચ્છતા અને સાવચેતી જરૂરી છે.