Bhupendra Patel news: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ ખાતેથી રાજ્યની ગ્રામ પંચાયતોને ઓક્ટ્રોય વળતરના વધારાના અનુદાન પેટે કુલ ₹576 કરોડની રકમ ચૂકવવાનો પ્રારંભ કરાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસન અને વિકાસની ઉજવણી રૂપે યોજાઈ રહેલા ‘વિકાસ સપ્તાહ’ અંતર્ગત ‘વિકસિત ગામ, વિકસિત ગુજરાત’ કાર્યક્રમમાં આ જાહેરાત કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીએ ઓક્ટ્રોય નાબૂદી પછી પણ ગામોનો વિકાસ ન અટકે તે માટે છેલ્લા એક દાયકામાં આ ₹576 કરોડથી વધુનું વધારાનું અનુદાન આપ્યું છે. તેમણે સમરસ ગ્રામ પંચાયતોને પ્રોત્સાહક ગ્રાન્ટ આપવાના PM મોદીના અભિગમની પ્રશંસા કરી અને આ વર્ષે 761 ગ્રામ પંચાયતો સમરસ બની હોવાનો ઉલ્લેખ કર્યો. આ અવસરે શ્રેષ્ઠ કામગીરી કરનારી સંસ્થાઓનું સન્માન અને સખી મંડળોનું અભિવાદન પણ કરવામાં આવ્યું હતું.

Continues below advertisement

ગામડાંના વિકાસ માટે ઓક્ટ્રોય વળતરના વધારાના અનુદાનની શરૂઆત

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 7 ઓક્ટોબર, 2001 થી જે વિકાસ અને સુશાસનના યુગની શરૂઆત કરી હતી, તેની ઉજવણી રૂપે દર વર્ષે 7 થી 15 ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહ યોજવામાં આવે છે. આ વિકાસ સપ્તાહના પાંચમા દિવસે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ ખાતે રાજ્યકક્ષાનો ‘વિકસિત ગામ, વિકસિત ગુજરાત’ કાર્યક્રમ યોજીને રાજ્યની ગ્રામ પંચાયતોને મોટી રાહત આપી છે.

Continues below advertisement

મુખ્યમંત્રીએ આ કાર્યક્રમમાંથી ગ્રામ પંચાયતોને ઓક્ટ્રોય વળતરના વધારાના અનુદાન પેટે ₹576 કરોડની રકમની ચૂકવણીનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસને વેગ આપવા માટે રાજ્યમાંથી ઓક્ટ્રોય નાબૂદ કરી હતી, પરંતુ ઓક્ટ્રોયની આવક ન હોવા છતાં ગ્રામીણ વિકાસ અટકે નહીં તે માટે આ વધારાનું અનુદાન આપવામાં આવ્યું છે. વળી, PM મોદીએ ગામડાઓમાં રોડ, વીજળી અને પાણી જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ માટે નાણાપંચની ગ્રાન્ટમાં પણ સતત વધારો કર્યો છે.

સમરસતા અને યુવા નેતૃત્વથી ગ્રામીણ વિકાસને વેગ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સમરસ ગ્રામ પંચાયતોને પ્રોત્સાહક ગ્રાન્ટ આપવાના અભિગમની સરાહના કરી. તેમણે જણાવ્યું કે આ અભિગમથી ગ્રામ પંચાયતોના વિકાસને વેગ મળ્યો છે, અને આ વર્ષે રાજ્યમાં 761 ગ્રામ પંચાયતો સમરસ બની છે. આનાથી ગ્રામીણ સમરસતા અને વિકાસને નવી દિશા મળી છે.

તેમણે ઉમેર્યું કે પંચાયતના શાસનમાં યુવાનોની ભાગીદારી નોંધપાત્ર રીતે વધી રહી છે. આ વર્ષે 42% સરપંચો 21 થી 40 વર્ષની વયજૂથના છે, અને પીએચ.ડી. જેવી ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા અનેક યુવાનો પણ સરપંચ બનીને ગામોનું નેતૃત્વ કરી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ સક્ષમ પંચાયતોને સશક્ત અને સમૃદ્ધ ગુજરાતનો આધાર બનાવીને વિકાસના અનેકવિધ સફળ આયામો જેવા કે ગોકુળગ્રામ, ઈ-ગ્રામ વિશ્વગ્રામ, જ્યોતિગ્રામ વગેરે સાકાર કર્યા છે.

સન્માન, સશક્તિકરણ અને સ્વદેશીનું આહ્વાન

આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરનારી પંચાયત સહિતની આઠ સરકારી સંસ્થાઓનું સન્માન કર્યું અને ચાર સ્વ-સહાય જૂથોનું અભિવાદન કર્યું. ગ્રામીણ વિકાસ અને મહિલાઓના સશક્તિકરણના ઉલ્લેખમાં તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સખી મંડળોને દરેક પ્રકારની મદદ કરવા તત્પર છે, અને ડ્રોન દીદી યોજનાથી મહિલાઓ આર્થિક રીતે સક્ષમ બની રહી છે.

વડાપ્રધાન મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા માટે મુખ્યમંત્રીએ સ્વદેશીને અપનાવવાનું આહ્વાન કર્યું. તેમણે જણાવ્યું કે, 'મન કી બાત' માં રમકડાંની આયાત ઘટાડવા અંગેના PM મોદીના આહ્વાન પછી ભારતીય રમકડાંની 143 દેશોમાં નિકાસ થઈ રહી છે. અંતમાં, મુખ્યમંત્રીએ રાજકોટ શહેર-જિલ્લાનાં આશરે ₹194 કરોડના વિકાસકાર્યોનું ઈ-ખાતમુહૂર્ત કરીને 'દિવાળી ભેટ' આપી હતી.