અમદાવાદ: ગુજરાતનું નામ દેશ -દુનિયામાં રોશન કરનાર ગોલ્ડમેડલિસ્ટ દોડવીર સરિતા ગાયકવાડની રાજ્ય સરકાર દ્વારા DySP તરીકે નિમણૂક કરવામાં આવી છે. ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ટ્વિટ કરીને આ માહિતી આપી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ સરિતા ગાયવાડને ટ્વિટ કરીને અભિનંદન પાઠવ્યા હતા.


સીએમ રૂપાણીએ ટ્વિટ કરીને લખ્યું, 18મી એશિયન ગેમ્સમાં મહિલાઓની 4 x 400 મી.રીલે દોડમાં ગોલ્ડ મેડલ મેળવીને ગુજરાતનું નામ આંતરરાષ્ટ્રીય કક્ષાએ રોશન કરનાર સુ.શ્રી.સરિતા ગાયકવાડને નવરાત્રીના દુર્ગાષ્ટમીના પાવન દિવસે નાયબ પોલીસ અધિક્ષક તરીકે ગુજરાત સરકાર દ્વારા નિમણુંક અપાઈ, નવી જવાબદારી માટે સરિતાને હાર્દિક શુભકામનાઓ.



ડાંગની સરિતા ગાયકવાડે 18મી એશિયન ગેમ્સમાં મહિલાઓની 4x400 મીટર રીલે દોડમાં દેશને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. સરિતા ગાયકવાડ ડાંગ જિલ્લાના કરાડીઆંબા ગામના એક સામાન્ય ખેડૂત આદિવાસી પરિવારમાંથી આવે છે. સરિતા ગાયકવાડને ડાંગ સહિત આસપાસના વિસ્તારમાં લોકો ‘ડાંગ એક્સપ્રેસ’ના નામથી ઓળખે છે.



સરિતા ગાયકવાડે ફેબ્રુઆરી 2018 દરમિયાન ઈન્ડોનેશિયાના જકાર્તા ખાતે યોજાયેલી ‘આઠમી એશિયન ગેમ્સ ટેસ્ટ ઈવેન્ટ કોમ્પિટિશન’માં ભારતનું પ્રતિનિધિત્વ કરી તેની કારકિર્દીનો પ્રથમ આંતરરાષ્ટ્રીય સ્વર્ણ પદક જીતી દેશને ગોલ્ડ મેડલ અપાવવામાં સફળતા મેળવી હતી.