ગાંધીનગર: રાજ્યમાં કડકડતી ઠંડીનું જોર યથાવત છે. ગુજરાતમાં 6 શહેરોમાં ઠંડીનો પારો 12 ડિગ્રીની નીચે જતો રહ્યો છે. ગાંધીનગરમાં 9.5 ડિગ્રી સુધી પારો ગગડ્યો છે. અમદાવાદમાં 27-28 ડિસેમ્બરે ઠંડીનો પારો ગગડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં 8.8 ડિગ્રી તાપમાન સાથે નલિયા ઠંડુગાર બન્યું છે. ભુજમાં 12.6, કંડલા એયરપોર્ટનું 10.2 અને કંડલાનું 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે.


ડિસેમ્બર મહિનામાં અમદાવાદ શહેરમાં શિયાળાએ મિજાજ બતાવ્યો છે. બે દિવસ બાદ ફરી એકવાર ઠંડા પવનોનું જોર વર્તાવાની હવામાન વિભાગની આગાહી છે. ફૂલ ગુલાબી ઠંડીમાં ફિટનેસ જાળવવા માટે કેટલાક લોકોએ ઝુમ્બા ડાંસ કર્યો હતો.

ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષાથી શૂન્યની નીચે તાપમાન પહોંચ્યું છે. હિમાલય રેન્જમાં ભારે હિમવર્ષાથી ઠંડા પવનો ફૂંકાયા છે. 23થી 26 ડિસેમ્બર વચ્ચે રેકોર્ડ બ્રેક ઠંડી પડવાની હવામાન વિભાગની આગાહી છે.

હિમવર્ષાથી ઉત્તર ભારત સહિતના રાજ્યોમાં જનજીવન પ્રભાવિત થયું છે. પંજાબ, હરિયાણા, રાજસ્થાન સહિતના રાજ્યોમાં શૂન્ય સુધી પારો ગગડ્યો છે, તો ઉત્તર પ્રદેશ અને બિહારમાં પણ હાડ થીજવતી ઠંડી પડી રહી છે. આગામી દિવસોમાં હિમાચલ પ્રદેશમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.