અમદાવાદ: ઉત્તર ભારતમાં હિમવર્ષાના કારણે કાતિલ ઠંડીમાં જોરદાર વધારો થવાનો છે.  ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા થઈ રહી છે. હિમાચલ પ્રદેશના પ્રવાસીઓની પસંદ કુલ્લૂ અને મનાલીમાં હિમવર્ષા થઈ છે. જેના કારણે પ્રવાસીઓની સંખ્યામાં પણ જોરદાર વધારો થયો છે. જો કે, વધારે બરફવર્ષાના કારણે કેટલાક રસ્તાઓ બંધ કરવામાં આવતા પર્યટકો ફસાયા છે. કુલ્લૂ અને લાહૌલ સ્પિતિથી પ્રવાસીઓને ફરી મનાલી મોકલવામાં આવી રહ્યા છે. હિમવર્ષાના કારણે ખૂબસુરત નજારાઓ જોવા મળી રહ્યા છે. જ્યાં જુઓ ત્યાં બરફની ચાદર છે. ઉત્તર ભારતમાં થઈ રહેલી બરફવર્ષાના કારણે દેશમાં ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. 


વહેલી સવારથી કાતિલ ઠંડીનો અનુભવ


પહાડી રાજ્યોમાં હિમવર્ષાથી ગુજરાતમાં કાતિલ ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. વહેલી સવારથી કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હિમાલય તરફથી આવતા બર્ફીલા પવનની અસર હવે બરાબરની વર્તાઈ રહી છે. ગુજરાતના મોટા ભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો ગગડ્યો છે. તાપમાનમાં 2 થી 5 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઠંડી વધુ પડવાની આગાહી છે. 


નર્મદા બાદ નલિયામાં સૌથી વધુ ઠંડી


રાજ્યમાં નર્મદા બાદ નલિયામાં સૌથી વધુ ઠંડી જોવા મળી રહી છે. ભુજમાં 12.2 ડીગ્રી તાપમાન નોંધાયું છે.  રાજ્યભરમાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.  ગઈકાલ રાતથી લઘુતમ તાપમાનનો પારો 2થી 3 ડિગ્રી ઘટતા ઠંડીનું જોર વધી ગયું છે.  રાજયમાં નલિયા 10.8 ડિગ્રીએ ઠંડું શહેર બન્યું છે.  જ્યારે ડીસા 11.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.  અમદાવાદ 13.2 ડિગ્રી ,ગાંધીનગર 14 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.  


સૌરાષ્ટ્રમાં પણ કાતિલ ઠંડીનો ચમકારો


સૌરાષ્ટ્રમાં પણ કાતિલ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે.   રાજકોટ 13.6 ડિગ્રી, અમરેલી 15.1 ડિગ્રી, પાલનપુર તાપમાન 11.3 ડિગ્રી, મહેસાણા 11.2 ડિગ્રી સાથે ઠંડુંગાર બન્યું છે.  વડોદરા 11.6 ડિગ્રી, પંચમહાલ 12.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સુરત 15 ડિગ્રી, વેરાવળ 16.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.  ભાવનગર 15.1 ડિગ્રી, દ્વારકા 16 ડિગ્રી તાપમાન નોંધાયું છે. 


રાજ્યના અનેક શહેરોના તાપમાનમાં ઘટાડો થયો છે. વહેલી સવારથી જ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે.  કચ્છના નલિયામાં જોરદાર ઠંડી છે. અહીં તાપમાન સિંગલ ડિઝિટમાં જોવા મળી રહ્યું છે. 


Weather Update: કડકડતી ઠંડી માટે તૈયાર રહેજો! પહાડોમાં જોરદાર હિમવર્ષા