Congress Jan Aakrosh Yatra: બનાસકાંઠાના ઢીમાથી શરૂ થયેલી કોંગ્રેસની પ્રથમ ચરણની 'જન આક્રોશ યાત્રા'નું મહેસાણાના સુપ્રસિદ્ધ યાત્રાધામ બેચરાજી ખાતે એક વિશાળ જનસભા સાથે સમાપન થયું છે. આ સમાપન સમારોહમાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી અને જિગ્નેશ મેવાણી સહિતના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. જોકે, કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા સચિન પાયલટ અનિવાર્ય સંજોગોવશાત્ રૂબરૂ હાજર રહી શક્યા ન હતા, પરંતુ તેમણે વર્ચ્યુઅલી જોડાઈને સભાને સંબોધિત કરી હતી. સભામાં નેતાઓએ ગુજરાતમાં વધતા ડ્રગ્સના દુષણ, મોંઘવારી, બેરોજગારી અને ખેડૂતોના પ્રશ્નોને લઈને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને આગામી સમયમાં વિધાનસભા ઘેરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.
સચિન પાયલટનો વર્ચ્યુઅલ હુમલો: "સરકાર માત્ર પોતાની પીઠ થાબડવામાં વ્યસ્ત"
રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા સચિન પાયલટે ટેકનિકલ કારણોસર બેચરાજી ન પહોંચી શકતા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જનમેદનીને સંબોધન કર્યું હતું. તેમણે સૌપ્રથમ રૂબરૂ ન આવી શકવા બદલ ખેદ વ્યક્ત કરતા માફી માંગી હતી. પોતાના સંબોધનમાં પાયલટે કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારને આડે હાથ લેતા જણાવ્યું હતું કે, "વર્તમાન સરકાર માત્ર પ્રચાર, ભાષણબાજી અને પોતાની પીઠ થાબડવામાં જ માહેર છે. જનતાએ તેમને જે વિશ્વાસથી સત્તા સોંપી હતી, તેનો ભાજપે દુરુપયોગ કર્યો છે."
પાયલટે ગંભીર આક્ષેપ કરતા કહ્યું હતું કે, સરકારની તમામ યોજનાઓ માત્ર ગણ્યાગાંઠ્યા ઉદ્યોગપતિઓ અને લોકોના ફાયદા માટે જ બની રહી હોય તેવું લાગી રહ્યું છે. તેમણે કહ્યું કે, "આજે ગુજરાતમાં ડરનો માહોલ છે, ખુલ્લેઆમ દ્રગ્સ અને દારૂ મળી રહ્યા છે છતાં સરકાર ચૂપ છે. લાખો લોકોના નામ મતદાર યાદીમાંથી કમી કરી દેવાયા છે. મલ્લિકાર્જુન ખડગે હોય કે સોનિયા ગાંધી, વિપક્ષના અવાજને દબાવવા માટે સરકારી એજન્સીઓનો દુરુપયોગ થઈ રહ્યો છે." તેમણે ઉમેર્યું કે ચૂંટણી ન હોવા છતાં કોંગ્રેસે યાત્રા કાઢીને જનતાનો અવાજ બુલંદ કર્યો છે.
અમિત ચાવડાનું એલાન: "ફિક્સ પગાર અને કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરીશું"
પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ જન આક્રોશ યાત્રાના સમાપન પ્રસંગે સરકાર સામે આરપારની લડાઈનું એલાન કર્યું હતું. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આ યાત્રા પૂરી થઈ છે પણ જનતા માટેની લડત ચાલુ રહેશે. ચાવડાએ મુખ્યત્વે ત્રણ મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો: ખેડૂતોની સંપૂર્ણ દેવા માફી, યુવાનોને કાયમી રોજગાર અને રાજ્યમાંથી શોષણખોર ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ પ્રથાની નાબૂદી.
તેમણે ચેતવણી ઉચ્ચારતા કહ્યું હતું કે, "જો અમારી માંગણીઓ નહીં સંતોષાય તો અમે વિધાનસભાનો ઘેરાવો કરીશું." વધુમાં, રાજ્યમાં વકરી રહેલા નશાના કારોબાર સામે મહિલાઓને મેદાનમાં ઉતારીને સંપૂર્ણ દારૂબંધીના અમલ માટે વિશેષ અભિયાન ચલાવવાની અને 'હપ્તા રાજ' તથા ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડવાની નેમ પણ તેમણે વ્યક્ત કરી હતી.
જિગ્નેશ મેવાણીના આકરા તેવર: "72,000 કરોડનું ડ્રગ્સ પકડાયું, શરમ કરો"
વડગામના ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા જિગ્નેશ મેવાણીએ પોતાના આગવા આક્રમક અંદાજમાં રાજ્ય સરકાર પર પ્રહારો કર્યા હતા. મેવાણીએ ડ્રગ્સના મુદ્દે સરકારને ઘેરતા કહ્યું હતું કે, "રાજ્યમાંથી 72,000 કરોડનું ડ્રગ્સ પકડાયું છે, આ જોઈને સરકારે તો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ." તેમણે એક રિપોર્ટનો હવાલો આપતા દાવો કર્યો હતો કે ગુજરાતમાં અંદાજે 19.5 લાખ લોકો ડ્રગ્સના રવાડે ચઢ્યા છે, જે અત્યંત ચિંતાજનક છે.
મેવાણીએ આક્ષેપ કર્યો હતો કે ગાંધીનગર અને 'કમલમ'ના આશીર્વાદથી જ બોર્ડર પરથી ટ્રકો ભરીને દારૂ ગુજરાતમાં ઘૂસાડવામાં આવે છે. તેમણે અંબાજી અને દ્વારકા જેવા પવિત્ર યાત્રાધામોની નજીક પણ દારૂના અડ્ડા ધમધમતા હોવાનો દાવો કર્યો હતો. મેવાણીએ ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરના ભત્રીજાની ધરપકડ કરવાનો ખુલ્લો પડકાર ફેંકતા કહ્યું હતું કે, નાગરિકોની 48,000 ફરિયાદો છતાં દારૂબંધીનો અમલ થતો નથી અને જનતા રેડ કરવી પડે છે તે પોલીસ અને પ્રશાસનની નિષ્ફળતા છે.
"મન ચંગા તો કથરોટ મેં ગંગા": મેવાણીનો કટાક્ષ
બહુચરાજી મંદિરમાં દર્શન ન કરવાના મુદ્દે સ્પષ્ટતા કરતા જિગ્નેશ મેવાણીએ સંત કબીરના દોહાને ટાંકીને કહ્યું હતું કે, "મન ચંગા તો કથરોટ મેં ગંગા." તેમણે ભ્રષ્ટાચારી નેતાઓ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, "જે લોકો જનતાનું શોષણ કરે છે, દારૂ-જુગાર અને ડ્રગ્સના કાળા કારોબારમાંથી કમાણી કરે છે, તેઓ પાપ ધોવા માટે મંદિરે જાય અને દ્વારકા જઈને ધજા ચડાવે. મારે આવા દેખાડાની કોઈ જરૂર નથી. રામ હમારા હમે જપે, હમ પાયો વિશ્રામ."