વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાહત રસોડું ચાલુ કર્યું છે. અમરેલી, કુંકાવાવ અને વડિયામાં આ રાહત રસોડુ ચાલુ કરવામાં આવ્યું છે. અમરેલીના સ્લમ વિસ્તારમાં તૈયાર ભોજન પહોંચાડવામાં આવી રહ્યું છે. આ દરમિયાન તેઓ જાતે ભોજન બનાવતા અને લઇ જતાં જોવા મળ્યાં હતા. આ અંગે ધાનાણીએ કહ્યું હતું કે, જરૂરિયાતમંદ લોકો ભુખ્યા ન સુવે તે બધાં ધ્યાન રાખે. કોરોના વાયરસ સામે લડવા સૌ એક બનીએ.
પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, કોરોનાના કારણે જનતા કર્ફ્યૂ દરમિયાન પાડોશી ધર્મ નિભાવી અને પાડોશમાં કોઈને ભુખ્યા ન સૂવું પડે તેની સૌએ સ્વેચ્છીક તકેદારી રાખવી. આ સાથે સરકાર પાસે ગરીબો પરિવારોને રાહત દરે ભોજન પુરી પાડતી સંસ્થાઓને પ્રોત્સાહક ગ્રાન્ટ ફાળવવાની વિનંતી કરી છે.
પરેશ ધાનાણીએ સરકાર પાસે માંગણી કરી હતી કે, કોરોનાની મહામારીથી જનજીવનને બચાવવા સમગ્ર ગુજરાતના દરેક તાલુકામાં આરોગ્યનું નિદાન, ચકાસણી અને સારવાર કરાવવાની વ્યવસ્થા કરવામાં આવે. સરકારી સૂચનાઓનું સખ્તાઇપૂર્વક પાલન કરાવવાના બદલે દર્દીઓ, ખેતમજૂરો અને પશુપાલકો સહિત અશુભ સામાજિક પ્રસંગે સામાન્ય માણસ સાથે સમજૂતીથી આગળ વધવા સરકારી તંત્રને વિનંતી.