નવી દિલ્હી : રાજ્યસભાના સાંસદ અને બિહાર કોંગ્રેસના પ્રભારી શક્તિસિંહ ગોહિલ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. શક્તિસિંહ ગોહિલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ અંગે તેમણે ખુદ ટ્વિટર પર જાણકારી આપી હતી.


કૉંગ્રેસ નેતા શક્તિસિંહે ટ્વિટ કરીને કહ્યું કે, આજે મેં મારો કોરોનાનો RT-PCR ટેસ્ટ કરાવ્યો જેમાં કોરોના સંક્રમિત આવ્યો છું. તમારી શુભકામનાઓ સાથે કોરોનાથી પણ લડી લઇશું. ચિંતાની કોઈ વાત નથી.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા બારડોલીના ભાજપના સાંસદ પ્રભુ વસાવા પણ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયા છે. પ્રભુ વસાવોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પ્રભુ વસાવાએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, “અસ્વસ્થતા અને કોરોનાના શરૂઆતી લક્ષણ દેખાતા મે કોવિડ-19 ટેસ્ટ કરાવ્યો હતો અને આજે મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારી વિનંતની છે કે, જેઓ મારા સંપર્કમાં આવ્યા હોય તે પોતાને ક્વોરન્ટાઈન તથા આઈસોલેશન કરી તપાસ અવશ્ય કરાવો.”


રાજ્યમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું છે. તહેવારો નજીક આવતા કોરોનાના કેસમાં ફરી વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1035 કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 4 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3751 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 12,036 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 1,62,846 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 69 દર્દી વેન્ટીલેટર પર છે અને 11,967 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,78, 633 પર પહોંચી છે.