નવસારી: વાંસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલની કારને અકસ્માત નડ્યો છે. વાંસદાના અંકલાછ ગામે અચાનક સામે આવેલા બાઇક ચાલકને બચાવવા જતા અકસ્માત સર્જાયો હતો. ધારાસભ્ય અનંત પટેલની કાર રસ્તાની કિનારે આવેલા ઝાડ સાથે અથડાઈ હતી. અકસ્માતને કારણે કારમાં નુકસાન થયું છે તો ધારાસભ્ય અનંત પટેલ અને ડ્રાઈવરનો આબાદ બચાવ થયો છે. જોકે અકસ્માતને કારણે ધારાસભ્ય અનંત પટેલને સમાન્ય ઈજા થઈ છે.
સુરતમાં બેરોજગારીથી કંટાળી યુવકે કરી આત્મહત્યા
સુરત: આર્થિક તંગીના કારણે આપઘાતનો રસ્તો અપનાવતા યુવાનનો વધુ એક બનાવ સામે આવ્યો છે. સુરતમાં પાંડેસરા વિસ્તારમાં 30 વર્ષે યુવકે ઘરમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. યુવક છેલ્લા બે મહિનાથી નોકરીની શોધમાં હતો. પણ નોકરી ન મળતાં તણાવમાં આવી અંતિમ પગલું ભરી લીધું હતું.
પાંડેસરા વિસ્તારમાં આવેલા પુનિત નગરમાં 30 વર્ષીય અજય સોનવાણે ત્રણ વર્ષની દીકરી અને પત્ની સાથે ભાડાના મકાનમાં રહેતો હતો. અજય પરિવાર સાથે સુરત રોજગારીની શોધમાં આવ્યો હતો. બે મહિનાથી અજય નોકરીની શોધમાં હતો. જોકે અજયને નોકરી મળી રહી ન હતી. જેથી તે તણાવમાં આવી ગયો હતો અને પરિવારનું ગુજરાન પણ ચલાવી શકતો ન હતો.
નોકરી ન મળવાના કારણે અજય એટલો તણાવમાં આવી ગયો હતો કે આજે ઘરના રસોડામાં હૂંક સાથે દોરી બાંધી ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતા પત્નીએ બૂમાબૂમ કરી દીધી હતી તેથી આસપાસથી લોકો દોડી આવ્યા હતા અને અજયને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. ત્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
અજયના આપઘાત અંગે સિવિલ હોસ્પિટલમાંથી જાણ થતા પાંડેસરા પોલીસ સિવિલ હોસ્પિટલ દોડી આવી હતી. ત્યારબાદ પરિવારજનોના નિવેદન લીધા હતા અને અજયના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે અજયના આપઘાતથી ત્રણ વર્ષની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
પતિએ દ્વારકા સાથે લઈ જવાની ના પાડતા પત્નીએ બ્રિજ પરથી લગાવી મોતની છલાંગ
સુરત: શહેરના નવા વેડ - વરિયાવ બ્રિજ પરથી પરણિતાએ મોતની છલાંગ લગાવી છે. સુરતની મહિલાને પતિની વાતનું માઠુ લાગતા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવી હતી. બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે. સુરતમાં અઠવાડિયા પહેલા ઓપનિંગ કરાયેલા વેડ - વરિયાવ બ્રિજ પરથી નીચે પડતુ નમુકી મહિલાએ આપઘાત કરતા અરેરાટી મચી જવા પામી છે.