તાપી: તાપી જિલ્લામાંથી પસાર થનાર નેશનલ હાઇવે નંબર 56માં જમીન સંપાદનને પગલે આજે કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય એક મંચ નીચે આવ્યા હતા. વ્યારા સેવા સદન બહાર કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ ભેગા થઈને વિરોધ વ્યક્ત કર્યો છે.  કૉંગ્રેસના વાંસદા બેઠકના ધારાસભ્ય અનંત પટેલ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ  આદિવાસી આગેવાનો સાથે વિરોધ વ્યક્ત કરવા ભેગા થયા હતા. 


છેલ્લા થોડા સમયથી નેશનલ હાઇવે નંબર 56 માં જમીન સંપાદનને પગલે આદિવાસીઓમાં વિરોધ જોવા મળી રહ્યો છે.  આ હાઇવે રોડ પણ તાપી જિલ્લાના ડોલવણ અને વ્યારા તાલુકાના 28 જેટલા ગામોમાંથી આશરે 51 કિલોમીટર જેટલો પસાર થનાર હોય જેના પગલે સેંકડો ખેડૂતોની જમીન આ હાઇવે રોડમાં સંપાદિત થનાર છે.  જેમાં તાપી સહિત અન્ય જિલ્લાઓના ઘણા આદિવાસી અસરગ્રસ્ત થનાર હોવાને લઈને તેમને નુકશાન જવાની દહેશતના પગલે આજે કૉંગ્રેસના વાંસદા બેઠકના ધારાસભ્ય અનંત પટેલ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા વ્યારા સેવા સદન બહાર આદિવાસી આગેવાનો સાથે વિરોધ વ્યક્ત કરવા ભેગા થયા હતા. 


જેને પગલે તંત્રના જવાબદારો સહિત નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ સાથે વિરોધીઓની એક કમિટી રચી બેઠક મળી હતી. પરંતુ આ અંગે કોઈ યોગ્ય નિર્ણય ન લેવાતા આદિવાસીઓમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.  તેમની એક ઇંચ નવી જમીન આપવા તૈયાર ન હોવાનું આગેવાનો જણાવી રહ્યા છે.


રાજ્યમાં આગામી 5 દિવસ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી


હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 5 દિવસ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ઈંડયુઝ સાઇઝર એક થતાં કમોસમી વરસાદ પડશે. આજે બનાસકાંઠા, સાબરકાંઠા, મેહસાણા અને પાટણમાં આગાહી છે, આવતીકાલે દાહોદ, પંચમહાલ, ડાંગમાં વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગોમાં પણ વરસાદ  પડશે. કમોસમી વરસાદના કારણે તાપમાનમાં પણ ઘટાડો થઈ રહ્યો છે. દરિયાઈ વિસ્તારોમાં મે મહિનામાં તાપમાન સામાન્ય કરતાં ઓછું રહેશે.


24 કલાકમાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે. રાજ્યના 27 તાલુકામાં મેઘમહેર થઈ છે. જેમાં અમરેલીના ધારીમાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે સાવરકુંડલામાં દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. અન્ય વિસ્તારમાં વરસાદની વાત કરીએ તો ગઢડામાં દોઢ ઇંચ, બરવાવાળામાં એક ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે અમરેલી, નખત્રાણા, લાઠી, કલ્યાણપુર, જસદણમાં અડધો-અડધો ઇંચ વરસાદ પડ્યો છે. 


હવામાન વિભાગના અનુસાર, વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે અને ચોથી તારીખથી ધોધમાર વરસાદ પડશે. આજે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ, આણંદ, બનાસકાંઠા, પંચમહાલ, સાબરકાંઠા, સુરત, ભરૂચ અને વડોદરામાં વરરસાદની આગાહી કરવામાં આવી છે. તો આવતીકાલે અરવલ્લી, સાબરકાંઠા, વડોદરા, ભરૂચ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, રાજકોટ અને કચ્છમાં માવઠું પડશે. હવામાન વિભાગના મતે કમોસમી વરસાદની સાથે 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે.