Junagadh News: જૂનાગઢમાં મૃગીકુંડમાં કીર્તિ પટેલે ડૂબકી લગાવતા વિવાદ, સાધુ-સંતોમાં આક્રોશ
Junagadh News: જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં મૃગીકુંડમાં સાધુઓની વચ્ચે ઘૂસી કીર્તિ પટેલે ડૂબકી લગાવતા વિવાદ થયો છે

Junagadh News: જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં મૃગીકુંડમાં સાધુઓની વચ્ચે ઘૂસી કીર્તિ પટેલે ડૂબકી લગાવતા વિવાદ થયો છે. મેળાના અંતિમ દિવસે મૃગીકુંડમાં સાધુઓના શાહી સ્નાન સમયે ભગવો ધારણ કરી કીર્તિ પટેલ ઘૂસી ગઈ હતી. પ્રશાસનને જાણ થતા તેને તાત્કાલિક દૂર કરાઈ હતી. પ્રાંત અધિકારીએ કહ્યું હતું કે, સાધુ સંતો સાથે નીતિ નિયમો બાબતે ચર્ચા કરાશે. જો કોઈ ગેરકાયદેસર કે ધાર્મિક લાગણી દુભાય તેવું કૃત્ય થયું હશે તો કાર્યવાહી કરાશે.
મેંદરડા ખાખમઢીના સુખરામદાસ બાપુએ કહ્યું હતું કે, રવેડી બાદ સાધુ સંતો જ્યારે મૃગીકુંડમાં સ્નાન કરે છે. ત્યારે દુઃખની વાત એ છે કે, સાધુના કપડા પહેરીને કેટલાક લોકો જ્યારે સ્નાન કરે છે ત્યારે દુઃખ થાય છે. પોલીસે મૃગીકુંડમાંથી કિર્તીને બહાર કાઢતા જ તેને ગેરવર્તન કર્યું હતું. પોલીસ ઈન્સ્પેક્ટર તથા પોલીસ અધિકારીઓ સામે હાથ લાંબા કરીને કિર્તી પટેલે પોતે કોઈ આરોપી નથી તેમ કહી ગેરવર્તણૂંક કરી હતી. હંમેશા કોઈને કોઈ વિવાદમાં રહેતી કીર્તિ પટેલ સામે ગુજરાતમાં 10 ગુનાઓ નોંધાયેલા છે. ડીસેમ્બર 2025માં કીર્તિ પટેલની પાસા હેઠળ અટકાયત કરી જેલમાં ધકેલી દેવાઈ હતી. એક મહિનો સુધી જેલમાં રહ્યા બાદ તેનો છૂટકારો થતા જેલની બહાર આવી ધુરંધર મુવીના સોંગ પર રીલ બનાવી હતી.
સાધુ-સંતોમાં આક્રોશ
જૂનાગઢમાં મૃગીકુંડમાં કીર્તિ પટેલે ડૂબકી લગાવતા મોટો વિવાદ થયો હતો. વિવાદમાં રહેતી સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ સામે સાધુ-સંતોમાં આક્રોશ જોવા મળ્યો હતો. સાધુ સંતોના શાહી સ્નાન વચ્ચે ભગવો ધારણ કરી કીર્તિ પટેલ ઘૂસી ગઈ હતી. કીર્તિ પટેલના મૃગીકુંડમાં સ્નાન બાબતે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ બાબતે અમે સાધુ સંતો સાથે નીતિ નિયમો બાબતે ચર્ચા કરીશું. જો કોઈ ગેરકાયદે કૃત્ય અથવા તો ધાર્મિક લાગણી દુભાઈ હશે તો જરુર કાર્યવાહી કરવામાં આવશે.
કીર્તિ પટેલ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. સાધુ-સંતોએ આ ઘટનાને નિંદનીય ગણાવી હતી. સુખરામદાસ બાપુએ કહ્યું હતું કે કેટલાક લોકોએ સાધુના વેશમાં સ્નાન કર્યું તે દુઃખદ ઘટના છે. જ્યોર્તિનાથ મહારાજે કીર્તિ પટેલ સામે કાર્યવાહીની માંગ કરી હતી. આ સંતોની પવિત્રતા સાથે ખીલવાડ છે.
ધારાસભ્ય સંજય કોરડિયાએ પણ નારાજગી વ્યક્ત કરી
મૃગીકુંડમાં કીર્તિ પટેલના સ્નાન પર ધારાસભ્ય સંજય કોરડિયાએ કહ્યું હતું કે સંત પરંપરાની અવગણના નહીં ચલાવી લેવાય. સંત પરંપરાનું ઉલ્લંઘન કોઈ પણ વ્યક્તિ કે પદાધિકારી ન કરી શકે. આ સંતોનો મેળો છે, જેની મર્યાદા જાળવવી જોઈએ. ઘણી વખત કેટલાક લોકો સસ્તી પ્રસિદ્ધિ માટે આવું કરતા હોય છે. પ્રશાસનને કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી છે
જૂનાગઢમાં શિવરાત્રી મેળાના વિસર્જન બાદ ટ્રાફિકજામ
જૂનાગઢમાં શિવરાત્રી મેળાના વિસર્જન બાદ ભવનાથ તળેટીમાં વાહનો ટ્રાફિકમાં ફસાયા હતા. ગતરાત્રીના શાહી સ્નાન સાથે ભવનાથનો મેળો પૂર્ણ થયો હતો. મેળો પૂર્ણ થતા જ લોકો પરત ફરી રહ્યા છે. ઉતારા મંડળ અને અન્નક્ષેત્રના વાહનો એકસાથે પરત રવાના થયા હતા.























