ગુજરાતમાં ફરી એકવાર કોરોનાએ ફૂંફાડો માર્યો છે. રાજ્યમાં છેલ્લા એક સપ્તાહમાં જ કોરોનાના કેસમાં ચાર ગણો વધારો થતા જ હવે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યામાં ગુજરાત ચોથાથી ત્રીજા ક્રમે આવ્યું છે. રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસનો આંક 400ને પાર કરી ગયો હતો. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 64 કેસ નોંધાયા હતા.

આ સાથે જ એક્ટિવ કેસનો આંક ગુજરાતમાં 461 પર પહોંચી ચૂક્યો છે. જોકે રાહતની વાત તો એ છે કે આ 461 પૈકી માત્ર 20 દર્દીએ જ હોસ્પિટલમાં સારવાર લેવી પડી રહી છે.  આ સિવાયના 441 દર્દીઓ ઘરે જ હોમ આઈસોલેશનમાં છે. રાજ્યમાં સૌથી વધુ કોરોનાના એકિટિવ કેસો અમદાવાદમાં છે. અમદાવાદમાં જ 261 એક્ટિવ કેસ છે. દેશની દ્રષ્ટિએ જોવા જઈએ તો 10 ટકા એક્ટિવ કેસ માત્ર ગુજરાતમાં છે. અસારવા સિવિલમાં મંગળવારના 37 વર્ષીય મહિલાને દાખલ કરવામાં આવ્યા હતા. આ સાથે જ હાલ સિવિલમાં કુલ ચાર દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જેમાં બે પુરૂષ, એક મહિલા અને એક આઠ માસની બાળકીનો સમાવેશ થાય છે.

દેશમાં ફરી એકવાર કોરોના વાયરસ ફેલાવા લાગ્યો છે. COVID-19 ના લગભગ 4,000 એક્ટિવ કેસ વચ્ચે આરોગ્ય નિષ્ણાતોએ સોમવારે ખાતરી આપી હતી કે ગભરાવાની જરૂર નથી, કારણ કે ચેપની વર્તમાન લહેર હોસ્પિટલો પર વધુ ભારણ લાવે તેવી શક્યતા નથી. આરોગ્ય મંત્રાલય દ્વારા શેર કરાયેલા તાજેતરના ડેટા અનુસાર, 4026 એક્ટિવ COVID કેસ છે. 1 જાન્યુઆરી, 2025થી ઘણા રાજ્યોમાં મૃત્યુઆંક વધીને 37 થયો છે. દરમિયાન 2700 લોકોને રજા આપવામાં આવી હતી જે તેના ચેપ દરમાં સુધારો દર્શાવે છે.

ભારતમાં હાલમાં કયા વેરિઅન્ટ એક્ટિવ છે

આ નવી લહેર બે નવા કોરોનાવાયરસ વેરિઅન્ટ NB.1.8.1 અને LF.7 ને કારણે છે, જે ઓમિક્રોન JN.1 પ્રકારનું મ્યૂટેશન છે. આરોગ્ય મંત્રાલય હેઠળ રચાયેલા ભારતીય SARS-CoV-2 જીનોમિક્સ કન્સોર્ટિયમ (INSACOG) ના ડેટા અનુસાર, બંને ભારતમાં મળી આવ્યા હતા. નોંધનીય છે કે અત્યાર સુધી સૌથી વધુ કેસ કેરળ (1,416 એક્ટિવ કેસ), મહારાષ્ટ્ર (494), દિલ્હી (393), ગુજરાત (397) અને પશ્ચિમ બંગાળ (372) માં નોંધાયા છે.