ગાંધીનગરઃ ભારત સહિત સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસને ગુજરાતમાં ફેલાતો અટકાવવા માટે ગુજરાત સરકાર સક્રીય બની છે. કોરોના વાયરસ સામે લડવા માટેની રણનીતિ બનાવવા મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન ભાઈ પટેલે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. બેઠક બાદ મુખ્ય સચિવ અનિલ મૂકિમ અને આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં મુખ્ય સચિવ અનિલ મૂકિમે જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોના વાયરસ સામે તકેદારી અને સાવચેતીના આગોતરા પગલાં રૂપે રાજ્ય સરકારે કેટલાક મહત્વના નિર્ણયો લીધા છે. રાજ્યમાં 16 માર્ચથી 29 માર્ચ સુધી તમામ શાળા, કોલેજો, આંગણવાળી, સિનેમાગૃહ અને સ્વીમિંગ પુલ બંધ રહેશે. જોકે, દરમિયાન બોર્ડની પરીક્ષાઓ રાબેતા મુજબ ચાલુ રહેશે.
દરમિયાન આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ કોરોના વાયરસ લક્ષણ ધરાવતા અને તાવ ધરાવતા લોકોએ ગુજરાત સરકાર આરોગ્ય વિભાગના હેલ્પ લાઈન નંબર 104 ઉપર જાણ કરીને મદદ મેળવવી એવું પણ સૂચન કર્યું હતું. સાથે સાથે ગુજરાતના તમામ થિયેટર, સ્વિમિંગપુલ, ટ્યુશન ક્લાસિસ બે સપ્તાહ માટે બંધ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.
સાથે મુખ્ય સચિવે જણાવ્યું હતુ કે, રાજ્યમાં જાહેર સ્થળોએ થૂકવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે એટલું જ નહી જો કોઇ વ્યક્તિ આ પ્રતિબંધનો ભંગ કરશે તો 500 રૂપિયાનો દંડ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ દ્ધારા વસૂલવામાં આવશે. સાથે સરકારે તમામ ધાર્મિક સંસ્થાઓને પોતાના ધાર્મિક કાર્યક્રમો આગામી બે સપ્તાહ સુધી ન યોજવા માટે વિનંતી કરી છે.