ગાંધીનગરઃ દેશની સાથે રાજ્યમાં પણ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં 87 લોકોની આ કાળમુખા વાયરસની ઝપેટમાં આવી ગયા છે અને 7 લોકોના જીવ ગયા છે. આજે સવારે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ પ્રેસ કોન્ફરસમાં રાજ્યમાં કોરોનાની સ્થિતિ અંગે માહિતી આપી હતી.

જયંતિ રવિએ કહ્યું, આગામી ચારથી પાંચ દિવસ ગુજરાત માટે સૌથી મહત્વના છે. ગુજરાતમાં ગઈકાલ સાંજથી આજે સવાર સુધીમાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. રાજ્યમાં અત્યાર સુધીમાં 17,666 લોકોને હોમ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે. 904 સરકારી ક્વોરેન્ટાઈન કરાયા છે.

તેમણે એમ પણ જણાવ્યું કે, વડોદરાની SSG હોસ્પિટલમાં કોરોનાથી એક વ્યક્તિનું મોત થયું છે. જેની સાથે જ રાજ્યમાં મૃત્યુઆંક 7 પર પહોંચ્યો છે. મળતી માહિતી પ્રમાણે,  આ 55 વર્ષીય દર્દી શ્રીલંકાથી પરત ફરી હતી, ત્યારબાદ તેનો કોરોનાના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. મૃતકના પરિવારના 4 સભ્યોનો પણ ચેપ લાગ્યો હતો. હાલ આ ચારેય લોકો આઈસોલેશનમાં સારવાર હેઠળ છે.

મૃતક વ્યક્તિમાં 16 માર્ચે શંકાસ્પદ કોરોનાના લક્ષણો દેખાવાના શરૂ થયા હતા અને તેઓ 19 માર્ચના રોજ સારવાર માટે દાખલ થયા પછી એમનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તેમને સારવાર આપવામાં આવી રહી હતી. મૃતકની પત્ની, પુત્ર, પુત્રવધુ અને દીકરી તમામને કોરોના વાઈરસ પોઝિટિવ છે અને તમામની સયાજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.