ગાંધીનગર:  પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે કથિત ભ્રષ્ટાચારના આક્ષેપના મામલે કોંગ્રેસના ચાર  નેતાઓને ગાંધીનગર કોર્ટનું સમન્સ પાઠવવામાં આવ્યું છે. કૉંગ્રેસના નેતાઓ સામેની ફોજદારી અરજી ગાંધીનગર કોર્ટે ગ્રાહ્ય રાખી છે.  માનહાનીના આ કેસમાં કોર્ટે વિપક્ષના નેતા સુખરામ રાઠવા સહિત કોંગ્રેસના ત્રણ નેતાઓને કોર્ટમાં હાજર રહેવા ફરમાન કરવામાં આવ્યું છે. કોર્ટે ચારેય નેતાઓને સમન્સ પાઠવતા  વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવા, શૈલેષ પરમાર અને સી.જે ચાવડા સહિતના નેતાઓને કોર્ટનું તેડું આવ્યું છે.


પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પર કોંગ્રેસના નેતાઓનો આક્ષેપનો મામલો છે.  રાજકોટની નજીક આવેલા નવાગામ આણંદપર ગામની 500 કરોડની જમીનમાં હેતુફેરમાં ગોટાળા કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. કૉંગ્રેસના નેતાઓ દ્વારા પ્રેસ કોફરન્સ કરીને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી પર આક્ષેપ કરવામાં આવ્યા હતા.


બીજી માર્ચે કોર્ટ સમક્ષ થયેલી અરજીમાં ચારેય સામે સીઆરપીસીની કલમ 202 હેઠળ કાર્યવાહી હાથ ધરવા દાદ માગવામાં આવી હતી. ક્રિમિનલ ઈન્ક્વાયરીને લગતા આ કેસમાં કોર્ટે ફરિયાદી વિજય રૂપાણીના વકીલની દલીલો, નિવેદનો અને પુરાવાને ધ્યાને રાખીને ચારેય પ્રતિવાદી સામે આઈપીસી કલમ 500, 115 અન્વયે કાર્યવાહી ચલાવવા અને ક્રિમિનલ પ્રોસિજર કોડની કલમ 204 હેઠળ ફોજદારી કેસ નોંધી સમન્સ કાઢવા નિર્દેશ આપ્યા હતા.


પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમેરિકાના પ્રવાસ બાદ ભારત પરત ફર્યા પછી વિપક્ષના નેતા સુખરામ રાઠવા, ઉપનેતા શૈલેષ પરમાર, કોંગ્રેસના દંડક સી.જે. ચાવડાને એડવોકેટ અંશ ભારદ્વાજ મારફત બદનક્ષી બદલ કાનૂની નોટિસ મોકલી હતી. 


વિજય રૂપાણી અને નીતિન ભારદ્વાજ સહિતના ભાજપના નેતાઓએ 500 કરોડથી વધુનું કૌભાંડ આચર્યાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો. આ અંગે નીતિન ભારદ્વાજે રાજકોટ પોલીસ કમિશનરને આવેદન પત્ર  પાઠવી કહ્યું હતું કે  અમારા પર કરવામાં આવેલા  આ આક્ષેપો તદ્દન જુઠા છે અને અમારી રાજકીય કારકિર્દી ખતમ કરવાના માટેના છે. ખોટા આક્ષેપો કરનારા આ તમામ કોંગ્રેસીઓ સામે બદનક્ષીની ફરિયાદ દાખલ કરવા અમારી માંગણી છે. જો 10 દિવસમાં આ લોકો માફી નહિ માંગે તો આગળ કાર્યવાહી કરવામાં આવશે.