વડોદરાઃ ગુજરાત ભાજપ દ્વારા હાલમાં દિવાળી પછી નવા વરસનાં સ્નેહ મિલન સંમેલન યોજાઈ રહ્યાં છે. વડોદરાના સયાજીપુરા એપીએમસીમાં યોજાયેલા વડોદરા જિલ્લા ભાજપના સ્નેહ મિલનમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ હાજર રહ્યા હતા. આ સંમેલનમાં વડોદરા જિલ્લા પંચાયત ભાજપના પ્રમુખ અશોક પટેલે સી. આર. પાટીલનું ભગવાન બુધ્ધની પ્રતિમા આપી સન્માન કર્યું હતું.
સી.આર.પાટીલે ભગવાન બુધ્ધની પ્રતિમા સ્વીકારતી વખતે હસતાં હસતાં ટકોર કરી હતી કે, ભાજપના ધારાસભ્યો કેતન ઈનામદાર અને મધુભાઈ શ્રીવાસ્તવને ભગવાન બુધ્ધની પ્રતિમા આપવા જેવી છે. આપણે આ બંને ધારાસભ્યને એક એક પ્રતિમા આપી દઈએ. કેતન ઈનામદાર અને મધુ શ્રીવાસ્તવ સતત વિવાદો ઉભા કર્યા કરે છે તેથી તેમને શાંતિની જરૂર છે એવું આડકતરી રીતે પાટિલે કહ્યું હતું.
સી. આર. પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતનાં નવી સરકાર આવી અને નવા મંત્રીઓ આવ્યા તેના કારણે આખા દેશમાં લોકોને આશ્ચર્ય થયું છે. તેના પ્રતિકૂળ પ્રત્યાઘાત પડશે એવી વાતો થતી હતી પણ ભાજપના કાર્યકરોએ આ મોટા પરિવર્તનને બહુ સહજતાથી સ્વિકાર્યું છે. પાટીલે કહ્યું કે, ગુજરાતમાં નવા મંત્રીઓ આવ્યાં છે અને તેમને જૂના નેતાઓ માર્ગદર્શન આપી રહ્યાં છે તેથી બહુ સુમેળભર્યો માહોલ છે.