Crime: કબૂતરબાજીના રેકેટમાં ફિલ્મના ડાયરેક્ટરની ધરપકડ, SMC એ હૈદરાબાદથી દબોચ્યો, મિત્રને ત્યાં હતો છૂપાયેલો
Crime News: છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા કબૂતરબાજી કેસને લઇને એસએમસીએ મોટી કાર્યવાહી કરી છે

Crime News: ગુનાખોરી પર શિકંજો વધુ કસાયો છે. તાજેતરમાં જ ફિલ્મી ડાયરેક્ટરને સ્ટેટ મૉનિટરિંગ સેલની ટીમે ઝડપી પાડ્યો છે, મલયાલમી ફિલ્મનો ડાયરેક્ટર ઝકીર હૈદરાબાદમાં મિત્રને ત્યાં છૂપાઇને રહેતો હતો, જેની જાણ થતાં જ એસએમસીએ દરોડા પાડીને દબોચી લીધો હતો. ઝાકીર છેલ્લા 6 વર્ષથી નાસતો ભરતો હતો અને તેની વિરૂદ્ધ રેડ કૉર્નર નૉટિસ પણ ઇશ્યૂ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, બૉબી પટેલ અને ચરણજીત સિંહની ગેન્ગ સાથે મળીને કબૂતરબાજીને અંજામ આપી રહ્યો હતો.
હાલમાં જ ગુજરાતની સ્ટેટ મૉનિટરિંગ સેલ પોલીસ ટીમને મોટી સફળતા હાસંલ થઇ છે. છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા કબૂતરબાજી કેસને લઇને એસએમસીએ મોટી કાર્યવાહી કરી છે. કબૂતરબાજીના રેકેટમાં સ્ટેટ મૉનિટરિંગ સેલની ટીમે હૈદરાબાદમાં એક મહત્વનું ઓપરેશન પાર પાડ્યુ છે. બોબી પટેલનો સાગરીત ગણાતો એવો મલયાલમી ફિલ્મના ડાયરેક્ટર ઝાકીરની ધરપકડ કરી લીધી છે. છેલ્લા છ વર્ષથી આરોપી ઝાકીર ફરાર હતો અને હૈદરાબાદમાં આવીને છૂપાયો હતો. બૉબી પટેલ, ચરણજીતસિંઘની ગેંગ સાથે ઝાકીર કબૂતરબાજી રેકેટ પર કામ કરતો હતો. અગાઉ બૉબી પટેલના કેસમાં નામ ખુલતા ઝાકીર યુરોપ ભાગી ગયો હતો અને યુરોપ ગયા બાદ દુબઈ થઈને નેપાળમાં રોકાયો હતો, આ પછી નેપાળથી બાય રોડ મુંબઈ આવીને હૈદરાબાદમાં મિત્રના ત્યાં છૂપાયો હતો. સ્ટેટ મૉનિટરિંગ સેલે વાતની જાણ થતાં જ ઝાકીરને હૈદરાબાદમાંથી દબોચી લીધો હતો. હવે ઝાકીર પાસે કેટલા પાસપોર્ટ છે તેનું રહસ્ય પૂછપરછમાં ખુલશે. ઝાકીર સામે રેડ કોર્નર નોટિસ પણ ઈસ્યૂ કરવામાં આવી હતી.
અમદાવાદમાં પુત્રના હાથે પિતાની હત્યા
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં એક પુત્રએ કંટાળીને પોતાના પિતાની હત્યા કરી નાખી હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, પિતા નશો કરીને ઘરમાં સતત ઝઘડા કરતા હતા, જેનાથી કંટાળીને પુત્ર ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે પિતાને માર માર્યો હતો. આ હુમલામાં પિતાને માથા અને પેટના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી, જેના કારણે તેમનું મૃત્યુ થયું હતું. બાપુનગર પોલીસે આ મામલે કાર્યવાહી કરીને આરોપી પુત્ર સોનુ શર્માની ધરપકડ કરી છે.
નર્મદાના પીપલોદ ગામમાં મહિલાની હત્યા
નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના પીપલોદ ગામમાં પણ એક ૪૮ વર્ષીય મહિલાની કરપીણ હત્યાનો બનાવ સામે આવ્યો છે. મૃતક રમીલાબેન વસાવાનો મૃતદેહ તેમના જ ઘરના આંગણામાંથી મળી આવ્યો હતો. મહિલાના ગળાના ભાગે ઈજાના નિશાન જોવા મળ્યા હતા, જેના પરથી પરિવારજનોએ ગળું દબાવીને હત્યા કરાઈ હોવાની આશંકા વ્યક્ત કરી હતી. ઘટનાસ્થળે પોલીસ પહોંચી ત્યારે મૃતકના પરિવાર અને પોલીસ વચ્ચે રકઝક પણ થઈ હતી. બાદમાં લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી હતી. ડેડીયાપાડા પોલીસે આ મામલે અજાણ્યા શખ્સ સામે હત્યાનો ગુનો નોંધી એફએસએલ, ડોગ સ્ક્વોડ અને હ્યુમન સોર્સીસની મદદથી તપાસ શરૂ કરી છે. મૃતકની પુત્રી રમીલાબેને પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
અમરેલીના ખીજડિયા ગામે આધેડની હત્યા
અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ખીજડિયા ગામે પણ એક આધેડની હત્યા કરી દેવાઈ છે. ખેતરના રસ્તા બાબતે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ૫૫ વર્ષીય કાળુભાઈ વાળા પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા કાળુભાઈનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ મામલે પોલીસે જયરાજ વાળા અને રાજદીપ વાળા નામના બે યુવકો સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.






















