Cyclone Biparjoy 2023:  બિપોરજોય વાવાજોડાની અસર અમરેલી જિલ્લાના દરિયા કિનારે જોવા મળી રહી છે. કંડલા બાદ પીપાવાવ પોર્ટ બંધ કરવામાં આવ્યું છે. વાવાઝોડાની ગંભરીતા જોતા આખું પોર્ટ ખાલી કરાયું છે. તમામ કામદારો-કર્મચારીઓને પીપાવાવ પોર્ટ ઉપર રજા જાહેર કરી દેવામાં આવી છે. કંડલા બાદ સૌથી મોટું પીપાવાવ પોર્ટ બંધ કરવામાં આવ્યું છે.


 



મહા વિનાશક તૌકતે વાવાઝોડાનો માર સહન કરનાર જાફરાબાદ શહેર આજે ફરી એક વાર ભયભીત બન્યુ છે.  બિપોરજોયનો ડર એટલી હદે છે કે આજે જાફરાબાદ શહેર સ્વેચ્છિક રીતે જ ઘરમાં પુરાઈ ગયુ છે. જાફરાબાદની ગલીયો અને બજારો સુમસામ બની છે. જાફરાબાદ શહેરમાં ભારે પવન સાથે વરસાદ પણ વરસી રહ્યો છે. બે વર્ષ પહેલા તોકતે વાવઝોડાએ તબાહી મચાવી દીધી હતી તોકતેની શીખ લઈને આજે વેપારી મહામંડળ સ્વેચ્છિક નિર્ણય લઇ જાફરાબાદમાં બંધ પાળવામાં આવ્યો છે. ધારાસભ્ય હીરા સોલંકીએ વેપારી મહા મંડળ સાથે બેઠક કરીને આજે નાનાં મોટા તમામ વેપારીઓએ બિપરજોય વાવાઝોડાને પગલે પોતાના રોજગારો બંધ રાખી સુરક્ષિત ઘરે રહ્યા છે.


અમરેલી જીલ્લાના અનેક વિસ્તારોમાં ભારે પવન ફુંકાય રહ્યો છે. ભારે પવનની ઝપટમાં એસ.ટી બસ આવી ગઈ છે. ભારે પવનના કારણે એસટી બસનું છાપરૂ ઉડ્યુ છે. દામનગર-સતાધાર રૂટની બસનું છાપરા ઉડી ગયું છે. લાઠીના ભુરખીયા ગામ નજીક આ ઘટના બની હતી. સદભાગ્યે તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે.


અમરેલી જીલ્લામાં બિપરજોય વાવાઝોડાની મોટી અસર જોવા મળી રહી છે. દરિયાઈ પટ્ટી વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે તો જિલ્લાના અનેક સ્થળોએ ભારે વરસાદ પડી રહ્યો છે. જાફરાબાદ, રાજુલા, ખાંભા, અમરેલી, સાવરકુંડલા અને ધારી પંથકમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ધારી ગીર પંથકના સરસીયા, જીરા, ડાભાળી, હિરાવા અને નાગધ્રામા ભારે વરસાદ પડી રહ્યો છે. નાગધ્રા ગામની શેલ નદીમાં ઘોડાપુર આવ્યું છે. સાવરકુંડલા શહેર, ઘોબા, મેવાસા સહિતના ગામોમાં પણ વરસાદ પડ્યો છે.


અમરેલીમાં 100 મકાનોના છાપરા ઉંડતા અનેક લોકો ઘાયલ


અમરેલી જિલ્લામાં વાવાઝોડાની અત્યાર સુધીની સૌથી મોટી અસર જોવા મળી છે. રાજુલા તાલુકાના મોરંગી ગામમાં અત્યંત ભારે પવન ફૂકાયો છે. મોરંગી ગામમાં 100 મકાનોને વાવાઝોડાએ ઝપેટમાં લીધા છે. મકાનોના નળિયા અને છાપરા માથે પડતા અનેક લોકોને ઇજા પહોંચી છે. બિપરજોય વાવાઝોડાએ વિનાશ વેરવાનું શરૂ કરી દીધું છે.