જૂનાગઢઃ બિપરજોય વાવાઝોડાના કારણે જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. માંગરોળ તેમજ માળીયા હાટીના તાલુકામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તોફાનને પગલે માંગરોળ તેમજ ચોરવાડનો દરિયો ગાંડોતૂર બન્યો હતો. દરિયામાં અંદાજે 10 થી 15 ફૂટના મોજા ઉછળી રહ્યા છે. આ દરિયા કિનારે અંદાજે 60 થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે.


બિપરજોય વાવાઝોડાની અસર હાલ માંગરોળ તેમજ માળીયા હાટીના તાલુકાના દરિયા કાંઠાના વિસ્તારો પર થઇ રહી છે. ચોરવાડ નજીક ગડુ શેરબાગ ખાતે કેળના ઝાડ તેમજ નાગરવેલનાં વેલાને ભારે નુકસાન પહોંચ્યું હતું.


ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદ



બિપરજોય વાવાઝોડાની અસરના કારણે ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે ખેતરોમા પાણી ભરાયા હતાય સૂત્રાપાડામાં છેલ્લા 24 કલાક માં 8 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભારે પવનના કારણે કેટલાક વૃક્ષો અને વીજ પોલ ધરાશાઈ થયા હતા.


સૌરાષ્ટ્રની સાથે સાથે કચ્છમાં પણ ધોધમાર વરસાદ



સૌરાષ્ટ્રની સાથે સાથે કચ્છમાં પણ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ગાંધીધામ હાઈવે પર વહેલી સવારથી પવન સાથે વરસાદ શરૂ થયો હતો. તે સિવાય રાજકોટ ગ્રામ્યમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ઉપલેટા, ધોરાજી સહિતના તાલુકામાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ધોધમાર વરસાદથી ધોરાજીમાં રસ્તા પર પાણી ફરી વળ્યા હતા


આગામી 5 દિવસ સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી


બિપરજોય વાવાઝોડાને લઈને હવામાન વિભાગે મોટી આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ સમગ્ર ગુજરાતમાં વરસાદ પડશે. જેમાં સૌરાષ્ટ્ર કચ્છમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આવતીકાલથી કચ્છ,દ્વારકા અને ગુરુવારે દ્વારકા સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી છે. તો પાંચ દિવસ સુધી 135 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છેગઇકાલે રાતે વાવાઝોડાએ રૌદ્ર રૂપ ધારણ કરી લીધુ છે. વાવાઝોડાની ગતિ દક્ષિણ બાજુ જતી જોવા મળી રહી છે. 15 જુનના રોજ ગુજરાતમાંથી વાવાઝોડું પસાર થનાર છે. માંડવીથી કરાંચી સુધી 15 જુનના રોજ વાવાઝોડું પસાર થશેય 13 જૂન મધરાતથી વાવાઝોડાની દિશા ઉત્તર પૂર્વની થશે. હાલમાં વાવાઝોડું દ્વારકાથી 280 કિલોમીટર દૂર છે, પોરબંદરથી 300 કિલોમીટર અને જખૌથી 320 કિલોમીટર દૂર છે. વાવાઝોડું 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. 16 અને 17 જુનના રોજ અમદાવાદમાં ભારે પવન અને વરસાદની શક્યતા છે