Biporjoy: દ્વારકા અને કચ્છ બાદ હવે વાવાઝોડાના લેન્ડફૉલ બાદની અસર ઉત્તર ગુજરાતમાં જબરદસ્ત રીતે દેખાઇ રહી છે. છેલ્લા બે દિવસથી રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં આની અસર સૌથી વધુ છે, જેમાં મહેસાણા, બનાસકાઠા અને પાટણમાં સૌથી ભારે પવનો ફૂંકાયા બાદ હવે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, વરસાદે તારાજી સર્જી છે, અંબાજી હાઇવે પણ આખે આખો પાણીમાં ગરકાવ થઇ ગયો છે, આ કારણે લોકોને હાઇવે પરથી પાછા ફરવાની ફરજ પડી રહી છે.




ગઇકાલથી વરસી રહેલા ધોધમાર વરસાદે બનાસકાંઠામાં તારાજી સર્જી છે, રૉડ-રસ્તાં અને સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઇ ગઇ છે, ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થવાથી વાહનવ્યવહાર ખોરવાઇ ગયો છે. ત્યારે આ બધાની વચ્ચે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર અંબાજી હાઇવે પર પાણી ભરાઇ ગયા છે, લગભગ ઘૂંટણ સમા પાણી ભરાઇ જતાં વીરપુર પાટીયા નજીકથી પસાર થઇ રહેલા વાહનો પાછા ફરી રહ્યાં છે, અહીં મોટાભાગના લોકો અંબાજી મંદિરના દર્શનાર્થે જઇ રહ્યાં છે. હાલમાં અંબાજી દાંતા હાઇવે પરનો સમગ્ર વાહન વ્યવહાર ખોરવાઇ ગયો છે, અને બીજા કેટલાય રસ્તાંઓ પણ બંધ છે.




 


બનાસકાંઠામાં તોફાની તારાજી


રાજ્યમાંથી બિપરજૉય વાવાઝોડું પસાર થઇ ગયુ છે, પરંતુ હજુ સુધી તેની અસર ઓછી નથી થઇ, હવામાન વિભાગ અનુસાર, હજુ પણ ગુજરાતના માથે સંકટ તોળાઇ રહ્યું છે. હવામાન વિભાગ અનુસાર, હજુ રાજ્યમાં ભારે પવનો ફૂંકાશે અને ઠેક ઠેકાણે ધોધમાર વરસાદી વરસશે. ખાસ કરીને આ અસર ઉત્તર ગુજરાતમાં વધુ રહેવાની વાત કરવામાં આવી છે. ત્યારે આ બધાની વચ્ચે હવે બનાસકાંઠાથી તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. બનાસકાંઠામાં વાવાઝોડાના કારણે 150થી વધુ વૃક્ષો ધરાશાયી થઇ ગયા છે.  વાવાઝોડાના કારણે બનાસકાંઠા જિલ્લામાં 150થી વધુ વૃક્ષો ધરાશાયી થઇ ગયા છે. અહેવાલ પ્રમાણે, જિલ્લાના ધાનેરામાં 40થી વધુ વૃક્ષો ભારે પવનના કારણે જમીનદોસ્ત થઇ ગયા છે, અને અનેક રહેણાંક વિસ્તારો અને સોસાયટીઓમાં અવરજવરના રસ્તાંઓ આના કારણે બંધ થયા છે. ધાનેરામાં ભારે પવન અને વરસાદના કારણે વૃક્ષો પડવાની ઘટનાથી વાહનવ્યવહાર પણ ખોરવાયો છે, વાહન ચાલકોને મુશ્કેલીઓ નડી રહી છે. 


હવામાન વિભાગ અનુસાર, ગુજરાતમાંથી વાવાઝોડુ પસાર થઇ ગયુ છે અને હવે રાજસ્થાનમાં બેથી ત્રણ દિવસ સુધી આની અસર રહી શકે છે. પરંતુ ગુજરાતમાં હજુ પણ ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાટણ અને બનાસકાંઠામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદની આગાહી કરવામાં આવી છે. વાવાઝોડા અંગે હવામાન વિભાગે પ્રતિક્રિયા આપી છે કે, રાત સુધીમાં વાવાઝોડું ડિપ્રેશનમાં બદલાશે, ડિપ્રેશન બનતા સમય લાગે તો આવતીકાલ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે.  કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.  ત્રણ કલાક વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.  કાલે સવાર બાદ કચ્છને રાહત મળી શકશે.  અમદાવાદમાં થન્ડરસ્ટોમ એક્ટિવિટી સાથે વરસાદી માહોલ રહેશે.