અમદાવાદઃ તાઉતે વાવાઝોડાની અસરના પગલે ગઇકાલે ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો. આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાક દરમિયાન રાજ્યના 251 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જોકે છેલ્લા ચારેક કલાકથી મોટા ભાગના તાલુકામાં વરસાદે વિરામ લીધો છે. છેલ્લા 24 કલાકમાં  સૌથી વધુ વરસાદ નડિયાદમાં 9 ઈંચ નોંધાયો છે. ગીર સોમનાથના ઉનામાં 7.4 ઈંચ વરસાદ ખાબક્યો છે.


આ સિવાય હવામાન વિભાગના આંકડા પ્રમાણે ભાવનગરમાં 177 એમએમ, મહુધામાં 164 એમએમ, આણંદમાં 163 એમએમ, ઉમરગામમાં 159 એમએમ,માતરમાં 152 એમએમ,પારડીમાં 148 એમએમ, ખંભાતમાં 143 એમએમ, ખેડામાં 130 એમએમ, તારાપુરમાં 128 એમએમ, વસોમાં 127 એમએમ, સુરત સિટીમાં 125 એમએમ, ઓલપાડમાં 118 એમએમ વરસાદ નોંધાયો છે.


હજુ બે દિવસ વરસાદી માહોલ રહેશે યથાવત


તૌક્તે વાવાઝોડાના કારણે રાજ્યમાં હજુ પણ બે દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. હવામાન વિભાગે આજે અને આવતીકાલે ભારેથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આજે સાબરકાંઠા, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેંદ્રનગર, રાજકોટ, મોરબી, જામનગરમાં અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે.


બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, સુરત, ભાવનગર, અમરેલી, જૂનાગઢ અને બોટાદમાં ભારે વરસાદ પડી શકે છે. તો આવતીકાલે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. જેમાં બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, મહેસાણા અને અરવલ્લીનો સમાવેશ થયો છે. જો કે ગુરુવાર સાંજ સુધી વાતાવરણ પૂર્વવત થવા લાગે તેવી સંભાવના છે.


વાવાઝોડાથી કેટલા લોકોના થયાં મોત


રાજ્ય પર ત્રાટકેલા તૌક્તે વાવાઝોડાએ સંઘ પ્રદેશ દિવ સહિત સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે તારાજી સર્જી છે. વાવાઝોડાને લીને રાજ્યમાં 13 લોકોના મૃત્યુ નિપજ્યા છે. ઉના, કોડિનાર, અમરેલી અને ગીર સોમનાથ, ભાવનગર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વાવાઝોડાને લીધે ભારે બરબાદી થઈ છે. દિવના દરિયાકાંઠાને રાજ્યમાં પ્રવેશેલા વાવાઝોડાએ જે પણ સામે આવ્યુ તબાહ કરી દીધુ છે. વાવાઝોડાની તિવ્રતા એટલી હતી કે 40 હજારથી વધુ વૃક્ષો ધરાશાયી થયા છે. 16 હજારથી વધુ ઝુંપડા અને કાચ મકાનો ઉપરાંત મોબાઈલ ટાવરો જમીનદોસ્ત થયા છે.


વાવાઝોડાને લીધે મકાન ધરાશાયી થવાથી, વીજ થાંભલા પડવાથી અને કરંટ લાગવાને લીધે રાજ્યમાં 13 લોકો મોત નિપજ્યા છે. ઠેર ઠેર વૃક્ષો પડતા કેટલાય સ્થળોએ વાહનો દટાયા છે. વાવાઝોડાને લીધે ગીર પંથકમાં કેરી અને નાળિયેરના પાકને ભારે નુકસાન થયુ. આ ઉપરાંત ભરૂચ-નર્મદા સહિત દક્ષિણ ગુજરાતમાં કેળા, ચીકુ, શેરડી, તલ, અડદ અને ડાંગરનો પાક બરબાદ થયો છે.