ભાવનગરઃ ગુજરાતમાં તૌકતે વાવાઝોડાની તબાહીને પગલે ભાવનગરનો રેલ વ્યવહાર પૂર્ણ રીતે પ્રભાવિત થયો છે. ભાવનગરથી 19મીએ ઉપડનાર ભાવનગર બાંદ્રા સુપર ફાસ્ટ ઉપરાંત અન્ય લોકલ ટ્રેનો એક દિવસ માટે રદ્દ કરી દેવામાં આવી છે. ભાવનગર રેલ તંત્ર દ્વારા તમામ ટ્રેનનો રદ કરી દીધી છે.
તૌકતે વાવાઝોડાની અસર સુરેન્દ્રનગરમાં પણ જોવા મળી છે. ધ્રાંગધ્રા સરકારી બસોના રુટ બંધ કરાવી મુસાફરોની વ્યવસ્થા કરાઇ. ધ્રાંગધ્રા પંથકમાં તૌકતે વાવાઝોડાની અસર ગઇકાલે મોડી રાત્રીથી જ શરુ થતા સ્થાનિક તંત્ર એલર્ટ દેખાઇ રહ્યું છે. સુરેન્દ્રનગર ધ્રાગધ્રા ચોટીલા આવતી-જતી તમામ બસોને બંધ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા ચોટીલા એસ.ટી સ્ટેન્ડ ખાતે સ્થગીત કરી દેવાઇ છે. ધ્રાંગધ્રામાં ઉપરથી આવતા અંદાજે 11 રુટની સરકારી બસોના પૈડા થંભી જતા આશરે 120 જેટલા મુસાફરોને સ્થગિત કરવામાં આવ્યા છે. જમવાની સગવડતા કરી ધામિક સંસ્થાઓ સામાજિક કાર્યક્રર દ્રારા મુસાફરોને તકલીફ પડે નહિ તે માટેની ખાસ વ્યવસ્થા હાથ ધરાઇ છે.
વાવાઝોડાની અમદાવાદમાં પણ અસર જોવા મળી રહી છે. અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં 61 ઝાડ ધરાશાયી થયા છે. એટલું જ નહીં અમદાવાદમાં સવારથી જ ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે.
આજે અમદાવાદમાં પ્રતિ કલાક 60 કિલોમીટર સુધીની ઝડપના પવન ફૂંકાવાની અને 3થી માંડી 6 ઈંચ સુધી ભારે વરસાદ ખાબકવાની શક્યતા છે. હાલમાં વાવઝોડું બોટાદ જિલ્લામાં આ પછી સુરેન્દ્રનગર જિલ્લામાં તારાજી તરફ આગળ વધી રહ્યું છે. અમદાવાદ જિલ્લામાં બપોર બાદ અસર થશે. સાબરમતી નદીમાં વાસણા બેરેજના બે દરવાજા ખોલવામાં આવ્યા છે
વાવાઝોડું આગામી 3-4 કલાક પછી ગમે તે સમયે અમદાવાદ જિલ્લાને સ્પર્શે તેવી શક્યતા છે. દરમિયાન લોકો સલામત રહે તેમજ જિલ્લામાં કોઈ પ્રકારની જાનમાલની નુકસાની ન થાય તે માટે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજજ છે. કામ વગર કોઈપણ વ્યક્તિએ બહારના નીકળવાના જિલ્લા કલેકટર તાકીદ કરી છે. લોકોને સુરક્ષિત રીતે સલામત સ્થળોએ રહે તે જરૂરી છે. કોઈપણ સંભવિત આપત્તિના સમયે તાલુકા અને જિલ્લા વહીવટી તંત્રનો સંપર્ક કરવા જિલ્લા કલેક્ટર સંદીપ સાગલે લોકોને અપીલ કરી છે.
આજે મહેસાણા જિલ્લામાં વાવાઝોડું ત્રાટકશે. મંગળવારે રાતે 9 વાગ્યાથી બુધવારે બપોરે 12 વાગ્યા દરમિયાન વાવાઝોડુ ત્રાટકવાની હવામાન વિભાગે આગાહી કરી છે. વાવાઝોડાની અસર બેચરાજી, જોટાણા અને કડી પંથકમાં વધુ જોવા મળે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છએ. મહેસાણા જિલ્લામાં સોમવારથી જ વાતાવરણમાં પલટો આવી ગયો છે.