ગાંધીનગરઃ ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં ‘વાયુ’ વાવાઝોડાનો ભય ફેલાયો છે ત્યારે આ વાવાઝોડું સૌ પ્રથમ ગુજરાતમાં 13 જૂને સવારે 4 કલાકે પોરબંદર દીવ વચ્ચે ટકરાય તેવી સંભાવના છે. એક જાણકારી અનુસાર, વાયુ વાવાઝોડું હવે વેરાવળથી માત્ર 320 કિલોમીટર દૂર છે અને આગામી ગણતરીના કલાકોમાં ગુજરાતને પોતાનું નિશાન બનાવી શકે છે. 150થી 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહેલા વાયુ વાવાઝોડાથી બચવા માટે લોકોને સુરક્ષિત  સ્થળે સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે. અગાઉ આ વાવાઝોડુ વેરાવળ તરફ આગળ વધતું દેખાતું હતું પરંતુ એની દિશામાં થોડો ફેરફાર થયો હોવાનું સામે આવ્યું છે. રાજ્યમાં તકેદારીના ભાગરૂપે અસરગ્રસ્ત જિલ્લાઓમાં કુલ 1,64,090 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.


હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, અગાઉ આ વાવાઝોડું વેરાવળ અને દીવ વચ્ચે ટકરાવાનું હતું, પણ હવે પવનની દિશા બદલાઇ છે, અને હવે આ વાવાઝોડું પોરબંદર અને દિવ વચ્ચે ટકરાશે. વેરાવળની પશ્વિમ ભાગે વાવાઝોડું હીટ થશે. પરંતુ વાવાઝોડાના તીવ્રતામાં કોઈ ઘટાડો આવ્યો નથી. 155-160 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. વાયુ વાવાઝોડાની અસર દીવ, ઉના અને કોડિનાર, માંગરોળ, પોરબંદર , દ્વારકા , સોમનાથ, વેરાવળ, કચ્છમાં જોવા મળશે. વાયુ વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે 48 કલાક સુધી ધમરોળશે અને 15મી દ્વારકાથી બહાર નીકળી સમુદ્રમાં જ સમાઈ જશે.

સેનાએ રાજ્ય સરકારની માંગ પર 10 કોલમ તૈનાત કરી દીધા છે. આ કોલમ જામનગર, ગીર, દ્વારકા, પોરબંદર, મોરબી, ભાવનગર, રાજકોટ અને અમરેલીમાં તૈનાત કરવામાં આવશે. એક કોલમ લગભગ એક કંપનીથી નાની એટલે કે 70 સૈનિકોની હોય છે. જેમાં ઈન્ફેન્ટ્રી, આર્ટિલરી, સિગ્નલ, એન્જિનિયરિંગ, મેડિકલ અને સર્વિલ કોરના જવાન સામેલ હોય છે. મુખ્યમંત્રી રૂપાણીએ લોકોને સ્થળાંતરમાં સાથ આપવા લોકોને વિનંતી કરી હતી.