આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસ પર છે. આજે તેમણે ફરી શિક્ષણને લઈ 5 ગેરંટી આપી છે. કેજરીવાલે મોટી જાહેરાત કરતા કહ્યું, ગુજરાતમાં જન્મેલા દરેક બાળકને ફ્રી અને સારું શિક્ષણ અપાશે. નવી સરકારી સ્કૂલો બનાવીશું. મોટા પ્રમાણમાં સ્કૂલો ખોલીશું. બધી પ્રાઈવેટ સ્કૂલોનું ઓડિટ કરાવીશું. પૈસા વધુ લીધા હશે, તેમની પાસે પૈસા પરત કરાવીશું. પ્રાઇવેટ સ્કૂલને ફી વધારવી હશે તો સરકારની પરમીશન લેવી પડશે. સ્કૂલો પુસ્તકો તેમની પાસેથી જ લેવાની ફરજ પાડી શકાશે નહીં. હંગામી શિક્ષકોને કાયમી કરવાની જાહેરાત કરી છે. શિક્ષકોને અન્ય કોઈ ડ્યુટી નહીં આપવામાં આવે. આ સિવાય કેજરીવાલે વિદ્યાસહાયકોના તમામ પ્રશ્નો હલ કરવાની ગેરંટી આપી છે. કેજરીવાલે કહ્યું, "જેટલા પણ વિદ્યા સહાયકો છે હવે ફક્ત ત્રણ મહિના બાકી છે. તમે આમ આદમી પાર્ટીનો પ્રચાર કરી, સરકાર બનાવો. અમે તમારી તમામ સમસ્યાઓનું સમાધાન લાવીશું.'
કેજરીવાલે ભુજમાં શિક્ષણવિદ્દો તેમજ છાત્ર સંગઠનો સાથે ચર્ચા કરી
અરવિદ કેજરીવાલે ભુજમાં સેવન સ્કાય હોટેલના કોન્ફરન્સ હૉલમાં શાળા-કૉલેજના છાત્રો, શિક્ષકો અને અધ્યાપકો,શિક્ષણવિદ્દો તેમજ છાત્ર સંગઠનો સાથે શિક્ષણને લગતાં પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરી હતી. આ પછી તેમણે સંબોધન કરતાં કહ્યું હતું કે, શિક્ષકોને નોન-ટિચિંગ કામ આપવું જોઇએ નહીં. પ્રાઇવેટ સ્કૂલોવાળાએ લૂંટ મચાવી દીધી છે. જોકે, બધી સ્કૂલો એવી નથી, તેમ પણ તેમણે ઉમેર્યું હતું. તેમણે આ સમયે ગુજરાતમાં ફીસ કમિટી પર પ્રહાર કર્યા હતા. તેમણે આક્ષેપ લગાવ્યો કે, નેતાઓ દ્વારા પ્રાઇવેટ સ્કૂલો ચલાવાય છે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં 44 લાખ વિદ્યાર્થીઓ પ્રાઇવેટ સ્કૂલોમાં ભણે છે. મજબૂરીમાં વાલીઓ સરકારી સ્કૂલોમાં વિદ્યાર્થીઓને મોકલે છે.
અરવિદ કેજરીવાલ હાલમાં કચ્છની મુલાકાતે
અરવિદ કેજરીવાલ હાલમાં કચ્છની મુલાકાતે છે. આ દરમિયાન તેમણે લોકો સાથે વાત કરતા અનેક ગેરંટી આપી છે. હાલમાં ગુજરાતમાં પોલીસના ગ્રેડ પે નો મુદ્દો સૌથી વધુ ચર્ચામાં છે. ગુજરાત સરકારે ગ્રેડ પેના બદલે પોલીસના પગારમાં વધારો કર્યો છે. હવે અરવિંદ કેજરીવાલે આ અંગે પોલીસ જવાનોને કહ્યું કે, તમે ભથ્થું ગુજરાત સરકાર પાસેથી લઈલો ગ્રેડ પે અમારી સરકાર આવશે ત્યારે વધારી આપવામાં આવશે. આમ અરવિંદ કેજરીવાલે ગુજરાત પોલીસનો ગ્રેડ પે વધારવાની જાહેરાત કરી છે.
આજે ભુજ ખાતે અરવિંદ કેજરીવાલ સાથે ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા સહિત આપના કાર્યકરો હાજર રહ્યા હતા. સેવન સ્કાય હોટેલના કોન્ફરન્સ હૉલમાં શાળા-કૉલેજના છાત્રો, શિક્ષકો અને અધ્યાપકો,શિક્ષણવિદ્દો તેમજ છાત્ર સંગઠનો સાથે શિક્ષણને લગતાં પ્રશ્નો અંગે ચર્ચા વિચારણા કરી હતી.